મહીસાગરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને પગલે 38 ગામોને અલર્ટ કરાયાં

15 September, 2019 08:44 AM IST  |  વડોદરા

મહીસાગરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને પગલે 38 ગામોને અલર્ટ કરાયાં

ગુજરાતમાં ભારે વરસાદ

લોકમાતા નર્મદા નદી અને મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા અને મહી નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કાઠાંના ત્રણ તાલુકાનાં ૨૫ ગામ અને મહી નદી કાંઠાના સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાનાં ૧૩ ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. પાદરા તાલુકાના ડબકા ગામના ભાઠાના ૬૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લાના છેવાડેથી પસાર થતી નર્મદા નદી અને મહી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કાંઠાવિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે વહીવટી તંત્ર દ્વારા મહી નદીના વડોદરા ગ્રામ્યના અનગઢ, સિંધરોટ, સાવલી તાલુકાના ભાદરવા, પાદરા તાલુકાના ડબકા, મુજપુર સહિતનાં ગામોને સલામતીના પગલારૂપે સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં લોકમાતા નર્મદા અને મહી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આસપાસનાં ગામના લોકોનાં ટોળેટોળાં સિંધરોટ બ્રિજ, મુજપુર બ્રિજ પર ઊમટી પડ્યાં છે.

આ પણ વાંચો : અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 16 લાખથી વધુ ભક્તો ઊમટ્યા, 7000 જેટલી ધજા ચડી

પાદરા તાલુકાના ડબકાના તળિયા ભાઠામાં વસતા ૨૫ પરિવારના ૬૦ લોકોનાં સ્થળાંતર કરવામાં આવ્યાં છે. તળિયા ભાઠા વિસ્તારમાં હજી પણ ૨૦ જેટલી વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવાની તંત્ર દ્વારા કામગીરી ચાલુ છે. સંભવતઃ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા મામલતદારને તાકીદ કરી દેવામાં આવી છે. ડબકા ગામના સરપંચ મહેશભાઈ જાદવ, મુજપુર ગામના સરપંચ રણજિતસિંહ પઢિયારે મહી નદીના કાંઠાવિસ્તારોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને જરૂરી વ્યવસ્થા પૂરી પાડી હતી.

gujarat Gujarat Rains