વીમા માટે લંડનમાં રહેતા દંપતીએ દત્તક પુત્રને ગુજરાતમાં મરાવી નાખ્યો

18 October, 2019 12:26 PM IST  |  લંડન

વીમા માટે લંડનમાં રહેતા દંપતીએ દત્તક પુત્રને ગુજરાતમાં મરાવી નાખ્યો

આરતી અને કવલ રાયજાદા

લંડનમાં રહેતા એક ભારતીય મૂળના દંપતી પર આરોપ છે કે તેમણે તેમના દત્તક પુત્રની હત્યાનું કાવતરું રચ્યું હતું જેથી તેના મોત બાદ તેઓ ૧.૩ કરોડ રૂપિયાની વીમાની રકમ મેળવી શકે. આ આરોપ પંચાવન વર્ષનાં આરતી ધીર અને ૩૦ વર્ષના કવલ રાયજાદા પર છે જેઓ પશ્ચિમ લંડનના હેનવેલ વિસ્તારમાં રહે છે. દંપતીએ પોલીસના આરોપનો ઇનકાર કર્યો છે. તેમના દત્તક પુત્ર ગોપાલ સેજાણીનું ગુજરાતમાં અપહરણ થયું હતું અને ત્યાર તેને તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારવામાં આવ્યા હતા. ભારે ઈજાને કારણે બાદમાં તેનું મૃત્યુ થયું હતું.

ગુજરાત પોલીસનું માનવું છે કે આ કપલને ખબર હતી કે બાળકનું મોત થશે તો તેમને કેટલા રૂપિયા મળશે એથી કથિત રીતે આ પૈસાની લાલચમાં કરવામાં આવેલી હત્યા છે. આ મામલે બ્રિટને માનવ અધિકારના મુદ્દે આ દંપતીના પ્રત્યર્પણની મંજૂરી આપી નથી. આ નિર્ણય પર હવે ભારત સરકારને અપીલ કરવાની મંજૂરી મળી છે. કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો પ્રમાણે આ બન્ને ૨૦૧૫માં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બાળકને દત્તક લેવા ગયાં હતાં. ત્યાર બાદ તેમણે સમાચારપત્રમાં જાહેરખબર આપી હતી જેમાં બાળકને દત્તક લઈને લંડન લઈ જવાની વાત કરી હતી. આ જાહેરખબરના માધ્યમથી તેમને ગોપાલનો સંપર્ક થયો હતો જે તેની મોટી બહેન અને બનેવી સાથે રહેતો હતો. ગોપાલનાં બહેન-બનેવી એ બાબતે માની ગયાં કે લંડન જવાથી ગોપાલનું જીવન સુધરી જશે.

જોકે સત્તાવાર રિપોર્ટ પ્રમાણે ગોપાલ ક્યારેય બ્રિટન જઈ શક્યો નહીં અને તેને દત્તક લેનારાં માતા-પિતાએ તાત્કાલિક તેના નામનો વીમો ઉતરાવી લીધો હતો. રિપોર્ટ પ્રમાણે આ વીમાની રકમ તેમને ૧૦ વર્ષ બાદ અથવા તો ગોપાલના મૃત્યુ બાદ મળે એમ હતી. આરતીએ ૧૫,૦૦૦ પાઉન્ડનાં બે પ્રીમિયમ પણ ભર્યાં હતાં.

જૂનાગઢ પોલીસના અધિકારી સૌરભ સિંઘે એક મીડિયાને ઇન્ટરવ્યુમાં કહ્યું કે થોડા દિવસ બાદ જ આરતીએ ગોપાલના નામનો વીમો ઉતરાવી લીધો હતો. આ મોટી રકમ હતી અને એનાં બે પ્રીમિયમ પણ ભર્યાં હતા. તેમને ખબર હતી કે ગોપાલના મૃત્યુથી તેમને દસ ગણી રકમ મળવાની છે. ૨૦૧૭ની ૮ ફેબ્રુઆરીએ ગોપાલનું અપહરણ થયું હતું. તેના શરીર પર તીક્ષ્ણ ‌હથિયારના ઘા મારીને બાદમાં મોટરસાઇકલ પર સવાર બે જણ તેને રસ્તા પર ફેંકીને જતા રહ્યા હતા. ગોપાલના બનેવી હરસુખ કરદાણી પણ આ હુમલામાં ઘાયલ થયા હતા, જેઓ ગોપાલને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. એ મહિનામાં જ બાદમાં ઈજાને કારણે તેમનું પણ મૃત્યુ થયું હતું.

અમુક સત્તાવાર રિપોર્ટ પ્રમાણે આ પહેલાં પણ બે વખત ગોપાલ પર હુમલા થઈ ચૂક્યા હતા, જેમાં તે માંડ બચ્યો હતો. જોકે આ ઘટના બાદ હજી સુધી વીમાની રકમ ચૂકવવામાં આવી નથી. પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે જેણે આ દંપતી સાથે લંડનમાં એક વિદ્યાર્થી તરીકે સારો સમય પસાર કર્યો હતો. આ શંકાસ્પદ શખસ એ ચાર લોકો પૈકીનો છે જેની આ હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. દંપતી પર ભારતમાં ૬ આરોપ લાગ્યા છે જેમાં કિડનૅપિંગ અને મૃત્યુ માટેનું ષડ્‍યંત્ર પણ સામેલ છે.

ભારતની અરજીના અનુસંધાને તેમની યુકેમાં ૨૦૧૭માં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ માનવ અધિકારના મુદ્દે આ વર્ષે જુલાઈમાં કોર્ટ મૅજિસ્ટ્રેટે પ્રત્યર્પણ માટેની મંજૂરીને ફગાવી દીધી હતી. સિનિયર જજના કહેવા પ્રમાણે ગુજરાતમાં ડબલ મર્ડર માટે આજીવન કારાવાસ છે અને એમાં પરોલની જોગવાઈ નથી એથી આમ કરવું આ દંપતીના માનવાધિકારની વિરુદ્ધ છે. સજામાં કોઈ કમી ન થાય એ અમાનવીય છે. જોકે પ્રત્યર્પણની માગણી સાચી હોવાનું પણ જજે કહ્યું હતું, કારણ કે પ્રાથમિક રીતે દંપતીએ કરેલા ગુનાના પૂરતા પુરાવા છે.

london gujarat Crime News