ક્યા સે ક્યા હો ગયા : અડવાણીની જગ્યાએ અમિત શાહ

22 March, 2019 11:53 AM IST  |  ગાંધીનગર

ક્યા સે ક્યા હો ગયા : અડવાણીની જગ્યાએ અમિત શાહ

ક્યા સે ક્યા હો ગયા : આ તસવીર છે ૧૯૯૧ની જ્યારે ગાંધીનગર માટે અડવાણીએ ઉમેદવારી નોંધાવી હતી. સાથે હતા નરેન્દ્ર મોદી અને પાછળ અમિત શાહ દેખાય છે.

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સંસદસભ્ય અમિત શાહ BJP માટે સૌથી સલામત ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. એક સમયે લાલ કૃષ્ણ અડવાણીના ચૂંટણી ઇન્ચાર્જ રહી ચૂકેલા અમિત શાહ પહેલી વાર લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે. ગઈ કાલે અમિત શાહના નામની જાહેરાત થયા બાદ રાત્રે અમદાવાદમાં તેમના કાર્યકરોએ ફટાકડા ફોડીને જાહેરાતને વધાવી લઈને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ વખતે ગાંધીનગર લોકસભાની બેઠક પરથી BJPના કોઈ કાર્યકર કે નેતાએ દાવેદારી નોંધાવી નહોતી અને નિરીક્ષકો સમક્ષ કહ્યું હતું કે આ બેઠક પરથી રાષ્ટ્રીય નેતાને ઊભા રાખજો. આમ થોડા દિવસ પહેલાં જ ગાંધીનગર બેઠક રાષ્ટ્રીય નેતા માટે ખાલી થઈ હતી. આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતતા આવી રહેલા લાલ કૃષ્ણ અડવાણી હવે ઉંમરને કારણે ખસી ગયા છે. અડવાણીએ ચૂંટણી લડવામાંથી નિવૃત્તિ લઈ લીધી હોય એમ હવે સ્પષ્ટ થયું છે. ગાંધીનગરની આ બેઠક પર કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખીને BJPએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને તેમના હોમ સ્ટેટમાંથી ઉમેદવાર બનાવ્યા છે.

ઉલ્લેખનીય વાત એ છે કે એક સમયે જ્યારે BJPના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા હતા ત્યારે અમિત શાહ તેમના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે કામ કરી ચૂક્યા છે. અમિત શાહ ગાંધીનગર લોકસભાની અન્ડરમાં આવતી સરખેજ વિધાનસભા અને ત્યાર બાદ નારણપુરા વિધાનસભામાંથી ઉમેદવારી કરી આ બન્ને બેઠકો પર ચૂંટણી જીતી ચૂક્યા છે.

આ પણ વાંચો : CM રૂપાણી, જીતુ વાઘાણી સહીતનાઓએ દિલ્હીમાં અમિત શાહને પાઠવી શુભેચ્છા

અમિત શાહને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરાતાં કાર્યકરોમાં જોમ અને જુસ્સો આવી ગયા છે જેની અસર ગુજરાતની ૨૬ લોકસભાની બેઠકોનાં પરિણામો પર પડી શકે છે. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનોકારણે અમિત શાહે ચૂંટણીપ્રચાર માટે દેશભરમાં પ્રવાસ કરવો પડશે ત્યારે ગાંધીનગર જેવી સલામત બેઠક તેમના માટે અનુકૂળ થઈ પડે એમ છે.

amit shah l k advani Lok Sabha bharatiya janata party narendra modi Gujarat BJP gujarat