બાળકીના શરીર પર છરીના ઘાનાં નિશાન? હાલ સ્થિતિમાં સુધારો

28 February, 2020 12:10 PM IST  |  Mumbai Desk

બાળકીના શરીર પર છરીના ઘાનાં નિશાન? હાલ સ્થિતિમાં સુધારો

પ્રતીકાત્મક તસવીર

રાજકોટના મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે સીમમાંથી તાજી જન્મેલી બાળકી બુધવારે મળી આવી હતી. બાળકીને કૂતરું મોંમાં પકડીને જતું હતું એ અરસામાં વીસેક યુવકો ક્રિકેટ રમીને જઈ રહ્યા હતા ત્યારે બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો અને નજર દોડાવી તો એક કૂતરું બાળકીને મોંમાં લઈને જઈ રહ્યું હતું. યુવકોએ પળનો પણ વિલંબ કર્યા વગર પથ્થરમારો કરતાં બાળકીને છોડીને કૂતરું નાસી ગયું હતું. વિપુલ રૈયાણી નામના યુવકે ફોન કરતાં ૧૦૮ દોડી ગઈ હતી અને બાળકીને તાકીદે રાજકોટ કે. ટી. ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ખસેડી હતી. બાળકીના શરીર પર છરીના ઘાનાં વીસ નિશાન જોવા મળ્યાં હતાં. જોકે મળી ત્યારે શ્વાસ લઈ શકતી નહોતી. હાલ બાળકીની સ્થિતિ સુધારા પર છે.

૧૦૮ની ટીમનાં તબીબ દિવ્યા બારડે જણાવ્યું હતું કે બાળકીના પીઠના ભાગે છરીના ઘાનાં નિશાન જોવા મળ્યાં હતાં. જોકે પ્રથમ તપાસમાં આ પ્રાણીના નહોરનાં નિશાન લાગ્યાં હતાં. ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા બાળકીને સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ બાળકીની સ્થિતિ સુધારા પર છે. બાળકી જ્યારે મળી ત્યારે શ્વાસ પણ લઈ શકતી નહોતી. શરીર પર ધૂળ જોવા મળી હતી.
કોઈ જનેતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને જન્મ આપી બીજા જ દિવસે નિર્જન સ્થળે છોડી દીધાનું સ્પષ્ટ થયું હતું. બાળકીના પેટના ભાગે જે ઈજા દેખાતી હતી એ કોઈ ખાડામાં પડ્યા રહેવાથી થયાનું સ્પષ્ટ હતું. પરંતુ તબીબોએ બાળકીને તપાસતાં જ તબીબો ચોંકી ઊઠ્યા હતા. બાળકીને બગલ અને પીઠના ભાગે જે ઈજાનાં નિશાનો હતાં એ તીક્ષ્ણ હથિયારનાં હતાં. પીડિયાટ્રિક સર્જ્યન જયદીપ ગણાત્રાએ જણાવ્યું હતું કે બાળકીને તીક્ષ્ણ હથિયારના ૧૫થી ૨૦ ઘા ઝીંકવામાં આવ્યા છે અને તેની સારવાર ચાલુ છે.

gujarat rajkot