કાંકરિયા કાર્નિવલમાં ફ્લોટિંગ રેસ્ટોરાં બની આકર્ષણનું કેન્દ્ર

30 December, 2018 09:21 AM IST  |  | શૈલેષ નાયક

કાંકરિયા કાર્નિવલમાં ફ્લોટિંગ રેસ્ટોરાં બની આકર્ષણનું કેન્દ્ર

કાંકરિયા કાર્નિવલમાં પહેલી વાર ફ્લોટિંગ રેસ્ટોરાં મૂકવામાં આવી છે. આ રેસ્ટોરાંમાં મજા માણી રહેલા સહેલાણીઓ.

ડિસેમ્બરના અંતમાં દર વર્ષે અમદાવાદના કાંકરિયા લેક ખાતે યોજાતા કાંકરિયા કાર્નિવલમાં આ વખતે ફ્લોટિંગ રેસ્ટોરાં સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને લેકમાં બોટિંગ સાથે સ્નૅક્સની મજા માણવાનો લહાવો સહેલાણીઓ ઉઠાવી રહ્યા છે.

અમદાવાદમાં પહેલી વાર સહેલાણીઓ કાંકરિયા તળાવમાં ફ્લોટિંગ રેસ્ટોરાંમાં બેસીને તળાવમાં બોટિંગ કરવા સાથે વ્યંજનોની મિજબાની માણી રહ્યા છે. કાંકરિયા તળાવની પાળ પાસે ઊભી રાખવામાં આવતી અને પછીથી તળાવમાં ચક્કર લગાવતી આ ફ્લોટિંગ રેસ્ટોરાં જોવા માટે તળાવની પાળે સહેલાણીઓ ઊભા રહી જાય છે.

ફ્લોટિંગ રેસ્ટોરાંના ઓનર જૉલી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મેં અમેરિકા, ઇંગ્લૅન્ડ સહિતના દેશોમાં આવી ફ્લોટિંગ રેસ્ટોરાં જોઈ છે અને એના પરથી આઇડિયા આવ્યો અને અમદાવાદમાં પહેલી વાર કાંકરિયા તળાવમાં ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ કરી છે. આ રેસ્ટોરાંમાં ૩૫ વ્યક્તિઓને બેસવાની કૅપેસિટી છે. ૨૦ મિનિટ સુધી કાંકરિયામાં બોટિંગ કરાવવામાં આવે છે અને એની સાથે સ્નૅક્સ આપવામાં આવે છે. રોજેરોજ મેનુ ચેન્જ થતું રહે છે.’

 

ધોરડોના સફેદ રણમાં પહોંચેલા રાષ્ટ્રપતિએ જોયો સાંસ્કૃતિક કાર્યક્રમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમનાં પત્ની અને પુત્રી સાથે કચ્છના સફેદ રણની બે દિવસીય સહેલગાહે શનિવારે સાંજે આવી પહોંચ્યા હતા.

ભુજ વાયુદળ મથક ખાતે તેમનું આગમન થયું ત્યારે રાજ્યના પ્રવાસન, આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણપ્રધાન ગણપતસિંહ વસાવાએ તેમનું સ્વાગત કર્યું હતું.

કચ્છના ભાતીગળ બન્નીના ધોરડો ખાતે પહોંચ્યા બાદ તેઓ કચ્છી શૈલીના માટીના ભૂંગામાં રોકાયા હતા અને રાત્રે ૨૦૦ જેટલા કલા-કસબીઓ દ્વારા રજૂ કરાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ જોયો હતો.

’કણ કણ મેં રણ’ ર્શીષક હેઠળ રજૂ કરાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૨૦૦ જેટલા કલા-કસબીઓ ભગવાન રામનું મહત્વ, જેસલ-તોરલ, લાખો ફુલાણી, કોટેશ્વર મહાદેવની સ્થાપના, કચ્છનું ભૌગોલિક મહત્વ, ભારતીય સૈન્યની વાત, ભારત- પાકિસ્તાન યુદ્ધ વખતે ભુજની હવાઈપટ્ટીને થયેલું નુકસાન અને માધાપરની વીરાંગનાઓ દ્વારા અપ્રતિમ શૌર્ય દાખવી માત્ર ત્રણ દિવસમાં રનવેનું કરાયેલું રિપેરિંગ વગેરે જેવા પ્રસંગોને આવરી લેવામાં આવ્યા હતા.

ahmedabad gujarat