મહીસાગર-લુણાવાડામાં આભ ફાટ્યું: ૪ ઇંચથી વધુ વરસાદ,૬૫ ગામો સંપર્કવિહોણાં

16 September, 2019 08:16 AM IST  | 

મહીસાગર-લુણાવાડામાં આભ ફાટ્યું: ૪ ઇંચથી વધુ વરસાદ,૬૫ ગામો સંપર્કવિહોણાં

જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદમાં સૌથી વધુ લુણાવાડામાં ૩.૫ તેમ જ ખાનપુર અને વીરપુરમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુર પથંકમાં ૪ ઇંચ વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે વહી છે, જ્યારે કડાણા અને સંતરામપુરમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતાં કડાણા ડૅમમાં પાણીની આવક ૨,૬૨,૮૨૧ ક્યુસેક નોંધાઈ છે. જ્યારે ખાનપુર તાલુકામાં આવેલાે ભાદર ડૅમ ૮૦ ટકા ઉપરાંત ભરાતાં વૉર્નિંગ લેવલ જાહેર કરાયું છે. ત્યારે નીચાણવાળા કાંઠાવાળા વિસ્તારને અલર્ટ જાહેર કરી નદીકાંઠે ન જવા સૂચના અપાઈ છે.

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે લુણાવાડામાં ૩.૫ ઇંચ તેમ જ ખાનપુર અને વીરપુરમાં ૩ ઇંચ ખાબક્યો હતો. કડાણા અને સંતરામપુરમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ મેઘરાજાએ હાલ વિરામ લીધો છે. બીજી તરફ કડાણા ડૅમમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત થઈ રહી છે. કડાણા ડૅમમાં પાણીની આવક ૨,૬૨,૮૨૧ ક્યુસેક નોંધાઈ છે. જ્યારે ડૅમના ૧૦ ગેટ ૧૩ ફીટ ખોલી ૨,૧૧,૯૯૦ પાણી ક્યુસેક છોડાઈ રહ્યું છે. પાણી છોડવાનું યથાવત રહેતાં જિલ્લામાં આવેલા હાડોડ, તાતરોલી અને ઘોડિયાર આ ત્રણ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે નીચાણવાળા કાંઠાવાળા વિસ્તારને અલર્ટ જાહેર કરી નદીકાંઠે ન જવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો:આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ૨૦૦૦થી વધુ વખત પાકિસ્તાને કર્યું સીઝ‍ફાયરનું ઉલ્લંઘન

લુણાવાડામાં એક જ રાતમાં ૩.૫ ઇંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. લુણાવાડાના વાંસિયા તળાવ પાસે ટેકરી વિસ્તારમાં આવેલું એક કાચું મકાન ધરાશાયી થયું છે. કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં અંદર સૂતેલા શ્રમજીવી પરિવારની ૪ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતાં ગરીબ પરીવાર નિઃસહાય બન્યો છે. ખાનપુર તાલુકામાં રાત દરમ્યાન ૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઇને બાકોર ગ્રામ પંચાયતનું તળાવ ઓવરફલો થયું છે. તળાવનું પાણી યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી બાકોર ગામમાં ઘૂસ્યું હતું. ઓવરફ્લો થતાં બાકોર ગામમાં રસ્તાઓ પર તળાવનાં પાણી ફરી વળ્યાં હતાં. વર્ષોથી આ પ્રશ્ન છતાં પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ભાદર ડૅમની સપાટી ૧૨૨.૮૦ મીટરે પહોંચી છે ત્યારે ડૅમની પૂર્ણ સપાટી ૧૨૩.૭૨ મીટર છે. ડૅમ ૮૦.૫૮ ટકા જેટલો ભરાયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે આગામી સમયમાં પાણી છોડવાની સ્થિતિની સંભાવના છે.

Gujarat Rains gujarati mid-day