જૂનાગઢમાં વરસાદે વિરામ લેતાં ખેડૂતોએ વિધિવત પૂજા કરી વાવણીની શરૂઆત કરી

17 June, 2019 08:22 AM IST  |  માંગરોળ

જૂનાગઢમાં વરસાદે વિરામ લેતાં ખેડૂતોએ વિધિવત પૂજા કરી વાવણીની શરૂઆત કરી

ખેડૂતો

માંગરોળ પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ ધીમી ધારે વાવણીલાયક વરસતા ખેડૂતોએ વાવણીની પૂજાવિધિ સાથે શ્રીગણેશ કર્યા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વરસાદે વિરામ લેતાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં પોતાના બળદોને જોતરી વિધિવધ પૂજા-અર્ચના કરી વાવણીના શ્રીગણેશ કર્યા છે. ખાસ કરીને જોઈએ તો વાયુ વાવાજોડાને લઈને માંગરોળ પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો હતો અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. હાલ વરસાદે વિરામ લીધા બાદ ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી શરૂ કરી છે.

સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ઠેર-ઠેર કરાઈ રહ્યું છે અને મગફળીના વાવેતર માટે ભીમ અગિયારસની વાવણી ખેડૂતો શુકન માને છે. કુદરતની કૃપા ઈન્દ્રદેવની મહેરબાનીથી સમગ્ર ગુજરાતમાં ભીમ અગિયારસના દિવસે જ વાયુએ મહેરબાની કરી સારો વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોને ત્યાં લાપસી રંધાઇ હતી.

આ પણ વાંચો : વાયુ પાછું આવે છે, આ દિવસે કચ્છના દરિયાકિનારે ટકરાશે

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પારંપારિક રીતે વાવણી કરાતી હોય છે જ્યારે ખાસ વાત કરવામાં આવે તો ખેડૂતો વાવણી સમયે કુંવારિકાના હાથથી પોતાના ખેતરમાં વાવણીના શુકન રૂપે ગાયના છાણનું લીંપણ કરે છે અને ત્યાર બાદ જમીન ઉપર મગ-કંકુનો સાથીયો કરાય છે અને બળદને અબીલ, ગુલાલ, કંકુથી શીંગડા રંગીને બળદને ગોળ-ધાણા ખવડાવી મીઠું મોઢું કરાવીને વાવેતર શરૂ કરાય છે.

gujarat junagadh