2000 યુવતીઓએ તલવાર રાસ રચીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ વીડિયો

23 August, 2019 03:14 PM IST  |  જામનગર

2000 યુવતીઓએ તલવાર રાસ રચીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ વીડિયો

સૌરાષ્ટ્રના તલવાર રાસ વિશ્વભરમાં જાણીતા છે. જ્યારે શક્તિ સ્વરૂપ સ્ત્રીઓ હાથમાં તલવાર લઈને રાસ રમવા ઉતરે ત્યારે લોકો જોતા જ રહી જાય છે. ત્યારે જામનગરમાં 2 હજાર જેટલી રાજપૂતાણીઓએ તલવાર રાસ રચીને ઈતિહાસ રચ્યો છે. જામનદર જિલ્લાના ધ્રોલમાં 2 હજાર જેટલી રજપૂતાણીઓએ એક સાથે તલવાર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે.

મળતી માહિતી પ્રમાણે આ તલવારબાજીમાં મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ, ગોંડલ, રાજકોટ, જામનગર અને ધ્રોલ સહિતના શહેરોમાં તાલીમ કેન્દ્ર પર તાલીમ આપવામાં આવી હતી. આ મહિલાઓ છેલ્લા એક મહિનાથી તાલીમ લઈ રહી હતી. મહત્વનું છે કે ભૂચર મોરી મેદાનમાં સાતમના દિવસે દર વર્ષે મેળો યોજાયો છે. આ કાર્યક્રમમાં સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીય મંત્રી વી.કે સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ થકી વર્લ્ડ રેકોર્ડ બનતો નિહાળવા ગુજરાતમાંથી હજારો લોકો ત્યાં ઉપસ્થિત રહ્યાં હતાં.

જામનગરના ધ્રોલ ગામે ભુચર મેદાનમાં આજે દેશનાં રાજા રજવાડાંના સુવર્ણયુગના ઈતિહાસની યાદ તાજી થઇ હતી. ઉલ્લેખનીય છે કે વિક્રમ સંવત 1629માં દિલ્હીના બાદશાહ અકબરે ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને પરાજય આપ્યો હતો. ત્યારબાદ તેમના શરણમાંથી ભાગી છૂટેલા મુઝફ્ફર શાહે જામનગરના મહારાજા જામ સતાજીનો આશરો લીધો હતો. પોતાની શરણે આવેલા મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવા જામ સતાજીએ અકબર સાથે બાથ ભીડી ધરતી લોહી-લુહાણ બની હતી. કહેવાય છે કે, આ ધરતીનો રંગ આજેપણ ભીષણ યુદ્ધની સાક્ષી પુરે છે.

gujarat jamnagar