ઘનકચરાના નિકાલમાં ગુજરાત બીજા ક્રમાંકે

06 May, 2019 08:29 AM IST  |  ગુજરાત | (જી.એન.એસ.)

ઘનકચરાના નિકાલમાં ગુજરાત બીજા ક્રમાંકે

પ્રતીકાત્મક તસવીર

ઘનકચરાના નિકાલની વ્યવસ્થાને લઈ રાજ્યો મુજબ માહિતી અંગેની એક આરટીઆઇમાં થયેલા ખુલાસામાં ભારતમાં એકત્ર થતા કુલ ઘનકચરામાંથી ૫૩ ટકા કચરાનો નિકાલ કરવામાં આવે છે. ઘનકચરાનો નિકાલ કરતાં રાજ્યોમાં છત્તીસગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને તેલંગણા ટોચના ક્રમમાં આવે છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે આરટીઆઇના જવાબમાં જણાવ્યા મુજબ મિઝોરમ અને પશ્ચિમ બંગાળ ઉત્પન્ન થતા ઘનકચરા પૈકી અનુક્રમે ફક્ત ચાર અને પાંચ ટકા કચરાને પ્રોસેસ કરે છે. મિઝોરમ દૈનિક ૨૦૧ મેટ્રિક ટન તેમ જ પશ્ચિમ બંગાળ ૭૭૦૦ મેટ્રિક ટન ઘનકચરાનું ઉત્પાદન કરે છે. જ્યારે જમ્મુ-કાશ્મીર ૧૪૧૫ મેટ્રિક ટન કચરો ઉત્પન્ન કરે છે અને તે પૈકી આઠ ટકા કચરાનો નિકાલ કરે છે.

મંત્રાલયે આરટીઆઇમાં કરેલા ખુલાસા મુજબ દેશમાં ફેબ્રુઆરી સુધીમાં કુલ ૧.૪૫ લાખ મેટ્રિક ટન ઘનકચરો ઉત્પન્ન થયો હતો. ઉત્પન્ન થયેલા કુલ કચરા પૈકી ૫૩ ટકા કચરાનો જ નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી સુધીમાં એટલે કે ૨ આઙ્ખક્ટોબર ૨૦૧૯ સુધીમાં દેશને જાહેરમાં શૌચાલયથી મુક્ત કરવા તેમ જ ૧૦૦ ટકા ઘનકચરાના નિકાલનો લક્ષ્યાંક રખાયો છે.

દેશમાં ઘનકચરાના વ્યવસ્થાપન અને નિકાલમાં ચંડીગઢ સૌથી ટોચનો કેન્દ્રશાસિત પ્રદેશ છે જે પ્રતિદિન ૮૯ ટકા કચરાનો નિકાલ કરે છે તેમ આરટીઆઇમાં જણાવાયું છે. ચંડીગઢ રોજ ૧૬૫૦ મેટ્રિક ટન કચરો ઉત્પન્ન કરે છે. ગુજરાત રાજ્ય પ્રતિદિન ૧૦,૭૨૧ મેટ્રિક ટન કચરો ઉત્પન્ન કરે છે અને તે પૈકી ૭૪ ટકા કચરાને પ્રોસેસ કરી નિકાલ કરવામાં આવે છે. ગુજરાત સાથે મધ્ય પ્રદેશ પણ ઘનકચરાના નિકાલમાં બીજો ક્રમ ધરાવે છે. એમપી ૬૪૨૪ મેટ્રિક ટન ઘનકચરો ઉત્પન્ન કરે છે અને ૭૪ ટકાનો નિકાલ કરે છે.

આ પણ વાંચો : ભાવનગર : 42.47 લાખની હીરા ચોરીની ગણતરીની કલાકોમાં પોલીસે ભેદ ઉકેલ્યો

આ ઉપરાંત તેલંગણા દ્વારા ઉત્પન્ન થતા ૮૬૩૪ મેટ્રિક ટન કચરા પૈકી ૭૩ ટકાનો નિકાલ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર પ્રતિદિન ૨૨,૫૭૦ મેટ્રિક ટન સાથે ઘનકચરાના ઉત્પાદનમાં સૌથી મોખરે છે. રાજ્ય આ પૈકીના ૫૭ ટકા કચરાનો નિકાલ કરે છે. આરટીઆઇમાં જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ (૧૫,૫૦૦ મેટ્રિક ટન ) અને બિહાર (૨૨૭૨ મેટ્રિક ટન ) અનુક્રમે ૫૭ ટકા તેમ જ ૫૧ ટકા ઘનકચરાનો નિકાલ કરે છે. તામિલનાડુ ૫૮ ટકા, ઉત્તરાખંડ ૩૯ ટકા, ઓડિશા ૧૨ ટકા, ત્રિપુરા ૪૫ ટકા, ગોવા ૬૫ ટકા, હરિયાણા ૩૯ ટકા અને ઝારખંડ ૫૬ ટકા ઘનકચરાનો નિકાલ કરે છે.

gujarat