અમદાવાદમાં સ્ત્રીવેશ ધારણ કરી પુરુષો ગરબે ઘૂમ્યા

08 October, 2019 10:46 AM IST  |  મુંબઈ ડેસ્ક | શૈલેષ નાયક

અમદાવાદમાં સ્ત્રીવેશ ધારણ કરી પુરુષો ગરબે ઘૂમ્યા

અમદાવાદમાં આવેલી સદુમાતાની પોળમાં સાડી અને ચણિયાચોળી પહેરીને માતાજીના ગરબે ઘૂમી રહેલા પુરુષો.

અમદાવાદ : નવરાત્રીનું પર્વ રંગેચંગે ઊજવાઈ રહ્યું છે ત્યારે ગુજરાતના અમદાવાદ શહેરમાં આઠમની રાત્રે પરંપરાગત મુજબ પુરુષો કોઈ પણ જાતનો છોછ રાખ્યા વગર સ્ત્રીવેશ ધારણ કરીને ગરબે ઘૂમ્યા હતા અને સદુમાતાજીની અરાધના – અર્ચના કરી, ગરબે ઘૂમીને બાધા પૂરી કરી હતી.

અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં નવરાત્રીના પર્વમાં આઠમની રાત્રે પુરુષો સાડી અને ચણિયાચોળી પહેરીને સદુમાતાજીની બાધા પૂરી કરવા ગરબે ઘૂમે છે. આ પોળમાં રહેતા સુરેશ બારોટે ‘મિડ ડે’ને કહ્યું હતું કે વર્ષો અગાઉથી અમારી પોળમાં સદુમાતાજીના ગરબા રમાય છે. અમારા બારોટ સમાજના નાગરિક કે પછી કોઈ પણ નાગરિકે શ્રદ્ધાપૂર્વક કોઈ બાધા રાખી હોય અને તે બાધા પૂરી થાય ત્યારે નવરાત્રીના આઠમની રાત્રે જેની બાધા પૂરી થઈ હોય તે પુરુષ સ્ત્રીવેશ ધારણ કરીને માતાજીના ગરબા રમે છે. કોઈને ત્યાં સવાશેર માટીની ખોટ હોય તે બાધા પૂરી થઈ હોય કે પછી અન્ય કોઈ બાધા રાખી હોય અને પૂરી થાય છે ત્યારે નાગરિકો અહીં આવી માતાજીના ગરબે ઘૂમીને બાધા પૂરી કરે છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને આજદિન સુધી ચાલી રહી છે. બારોટ સમાજમાં કુટુંબદીઠ એક વ્યક્તિ આઠમની રાત્રે સદુમાતાજીના ગરબે ગરબે ઘૂમે છે. ‘મા પાવા તે ગઢથી ઊતર્યા મહાકાળી રે...’ ગરબો ભાવપૂર્વક ગવાય છે. આ ગરબો દોઢ કલાકનો છે અને બધા તેને શ્રદ્ધાપૂર્વક ગાય છે અને ગરબે ઘૂમે છે.

ahmedabad navratri