રાજકોટના અશ્વ શોમાં ઘોડા તોફાને ચડ્યા

19 January, 2020 07:35 AM IST  |  rajkot | rashmin shah

રાજકોટના અશ્વ શોમાં ઘોડા તોફાને ચડ્યા

૨૬ જાન્યુઆરી અને પ્રજાસત્તાક પર્વની ગુજરાત રાજ્યની ઉજવણી રાજકોટમાં થવાની છે, જે અંતર્ગત અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પૈકીના એક અશ્વ શોનું આયોજન ગઈ કાલે રાજકોટના પોલીસ વિભાગ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું, પણ એ દરમ્યાન ઘોડાઓ તોફાને ચડતાં પોલીસ-કર્મચારીઓથી માંડીને અશ્વ શો જોવા આવેલા લોકોમાં પણ નાસભાગ થઈ હતી, જેમાં અમુક લોકોને ઈજા થઈ હતી. મહત્ત્વનું એ છે કે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હાજર હતા. તોફાને ચડેલા ઘોડાઓ સ્ટેજની દિશામાં ન જાય એની ચીવટ રાખવામાં આવી હતી. કુલ ૭૯ ઘોડાઓએ આ શોમાં ભાગ લીધો હતો, જેમાંથી એક તબક્કે ૨૦ ઘોડા હટાવી દેવામાં આવ્યા હતા.

બન્યું હતું એવું કે અશ્વ શો ચાલુ થયો એ પછી એક ઘોડાની લગામ પીઠથી સરકીને બીજા ઘોડાના પગની નીચે આવી જતાં પહેલો ઘોડો એ ઘોડાની સાથે ઢસડાયો અને એ પછી બધા ઘોડામાં અફરાતફરી મચી ગઈ હતી. આ અફરાતફરી લગભગ ૧૫ મિનિટ ચાલી હતી. ઘોડાઓને માંડ શાંત કરવામાં આવ્યા તો અમુક ઘોડાઓને કાબૂમાં લઈને શોમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. એમ છતાં ઘોડાઓના મનમાં પ્રસરી ગયેલો ઉચાટ અકબંધ હતો, જેને લીધે અશ્વ શો દરમ્યાન હર્ડલ રેસ, મટકીફોડ જેવાં કરતબ દરમ્યાન પણ ઘોડાઓએ પર્ફોર્મન્સ પ્રોપર આપ્યો નહોતો. હર્ડલ રેસમાં લાકડાની બેરિકૅડ કૂદવાને બદલે ઘોડા એમાં અથડાતા હતા તો મટકીફોડ વખતે ઘોડા મટકી પાસે જવા જ રાજી નહોતા.

જિલ્લા વહીવટી તંત્ર, ગ્રામ્ય પોલીસ અને કાઠિયાવાડી હૉર્સ બ્રીડર્સ અસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવેલો આખો અશ્વ શોનો આખરે ફિયાસ્કો થયો હતો.

gujarat rajkot