ભજન સમ્રાટ હેમંત ચૌહાણનો વીડિયો વાઈરલ કહ્યું,'ભાજપમાં નથી જોડાયો'

21 August, 2019 01:39 PM IST  |  અમદાવાદ

ભજન સમ્રાટ હેમંત ચૌહાણનો વીડિયો વાઈરલ કહ્યું,'ભાજપમાં નથી જોડાયો'

ભાજપના ખેસમાં હેમંત ચૌહાણ

લોકગાયક અને ભજન સમ્રાટ હેમંત ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વાઈરલ થયેલા વીડિયોને પગલે રાજકીય ગલીઓમાં નવી ચર્ચા શરૂ થઈ છે. વાઈરલ વીડિયોમાં હેમંત ચૌહાણ પોતે ભાજપમાં ન જોડાયા હોવાનું કહી રહ્યા છે. હેમંત ચૌહાણના વીડિયોને પગલે ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

જુઓ વીડિયો


હેમંત ચૌહાણનો 2 મિનિટ અને 15 સેકન્ડનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે,'નમસ્તે, મારા વડીલો, ભાઈઓ બહેનો. આપ સૌને એક મારે ચોખવટ કરવાની છે. આજે જે મીડિયામાં હું ભાજપમાં જોડાણો એવું જાહેરાત થઈ છે, અમે તો કલાકારો છીએ. અને જ્યારે આવી રીતે સમૂહમાં બધાનું સન્માન થતું હોય, અને વધામણી દેવા માટે બોલાવતા હોય, ત્યારે એક સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે. અને એ જવું જ પડે. પરંતુ આ પહેલા, પાંચ વર્ષ પહેલા ચૂંટણીમાં મને ઉભા રાખવાની વાત કરી ત્યારે મેં ના પાડી દીધો તો. તો બાપા મારું તો કામ ભજનનું છે, હું કોઈ પક્ષમાં સક્રિય ન રહી શકું. અને કોંગ્રેસ વખતમાંય અમારા સન્માનો થયેલા છે. એનેય અમે વધાવી લીધા અને આપણા રૂપાણી સાહેબે પણ સન્માન કર્યા. એનેય અમે વધાવી લીધા. અમારામાં ભેદભાવ ન હોય. અને હું કોઈ પક્ષનો માણસ પણ નથી. એટલે આપ મીડિયાની દ્વારા જે પ્રચાર થઈ રહ્યો હોય, એમાં કોઈ ગેરસમજ હોય તો એ આપ જરા ધ્યાનથી જોજો કારણ કે હું પોતે જ બોલું છું કે આવી કોઈ આપણે ભાજપ માટે હું જોડાણો એવી કોઈ ગેરસમજ હોય તો એ માનતા નહીં. કારણ કે અમે સત્યનો રાહ જે લેતા હોય જે સારુ કામ થતું હોય ત્યારે અમે કલાકારો તરીકે તેને બિરદાવવા માટે પછી એ કોઈ પણ પાર્ટીનો હોય, કોંગ્રેસ હોય ભાજપ હોય કે ગમે તે હોય એટલે ન્યાં હંમેશા કલાકારની ફરજ બને છે. એવી રીતે એક સિનિયર કલાકાર તરીકે અમે બધા જ્યારે સાથે મળી એક અભિનંદન પાઠવવા ગ્યા એટલે હું એ પક્ષમાં જોડાણો છું એવી રીતે આપ કોઈ માનતા નહીં. અને હું તો બધાનો છું કારણ કે કલાકારનો કોઈ પક્ષ ન હોય. એ તમામ માટે હોય. હું માણસનો માણસ છું. તમે બધા આપના હ્રદયમાં બિરાજમાન ચું. એટલે હું કોઈ પક્ષમાં જોઈ મારી નામના હલકી કરવા માગતો નથી. એટલે આપ સૌ મારી માટે કોઈ ગેરસમજ કે અફવા ફેલાવે તો માનતા નહીં. કારણ કે હું તો ભજન માટે જન્મયો છું.'

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા હેમંત ચોહાણના ભાજપમાં જોડાતા ફોટા સામે આવ્યા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે અન્ય કલાકારોની હાજરીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. ત્યારે હેમંત ચૌહાણના આ વાઈરલ વીડિયોથી નવી ચર્ચા શરૂ થઈ છે.

Gujarat BJP gujarat news