પાટણ રેલવે અન્ડરપાસ પાણીથી ભરાયો, 5.5 ઇંચ વરસાદ પડ્યો

10 August, 2019 07:19 AM IST  |  પાટણ

પાટણ રેલવે અન્ડરપાસ પાણીથી ભરાયો, 5.5 ઇંચ વરસાદ પડ્યો

પ્રતીકાત્મક તસવીર

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતભરમાં ૧૦ ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઑગસ્ટ મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. પાટણમાં કૉલેજ રોડ પર આવેલા રેલવે અન્ડરબ્રિજ સંપૂર્ણ પાણીથી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. પાટણના સરસ્વતીમાં સૌથી વધુ ૫.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હારીજ ખાતે અત્યાર સુધીમાં ૪.૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં બેચરાજી બાયપાસ રોડ પર આવેલી દરજી સોસાયટી સામે ખાદડી તળાવ પાણીથી ભરાયું હતું. ભીલપુરા વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાતાં લોકોને ગંદા પાણીમાંથી અવરજવર કરવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજી ૪૮ કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં વધુ એક વાર તોળાતું પૂરનું સંકટ

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લીના ધનસુરામાં ૩.૫ ઇંચ, બાયડમાં ૨.૫ ઇંચ, માલપુરમાં બે ઇંચ અને બનાસકાંઠામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે. રોડ-રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે તો કેટલાક વિસ્તારોમાં વીજળીને પણ અસર થઈ રહી છે.

Gujarat Rains gujarat news