રાજકોટ: કન્હૈયા-હાર્દિક-મેવાણીની રેલી, કરણીસેનાનો કાળા વાવટાથી વિરોધ

13 February, 2019 07:39 PM IST  |  રાજકોટ

રાજકોટ: કન્હૈયા-હાર્દિક-મેવાણીની રેલી, કરણીસેનાનો કાળા વાવટાથી વિરોધ

રાજકોટમાં હાર્દિક પટેલ, કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીએ કરી રેલી (તસ્વીર સૌજન્ય: બિપિન ટંકારિયા)

પાસ નેતા હાર્દિક પટેલ, જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કન્હૈયાકુમાર અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે રાજકોટ પહોંચ્યા છે. અહીંયા રાષ્ટ્રવાદી યુવા મંચ દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિક, કન્હૈયાકુમાર અને જિગ્નેશે હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને રેલી પ્રસ્થાન કર્યું હતું. આ દરમિયાન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ્યુબિલી ચોક ખાતે કરણીસેનાએ કાળા વાવટા ફરકાવીને રેલીનો વિરોધ કર્યો હતો. તે લોકોએ 'ગો બેક'ના નારા લગાવી વિરોધ કર્યા હતા, જેના કારણે 6 યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ટીંગાટોળી કરી યુવાનોને પોલીસવાનમાં બેસાડ્યા હતા અને કાળા વાવટા કબ્જે કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ રેલીમાં 500થી વધુ પોલીસ જવાનો તહેનાત હતા. પોલીસના ઉચ્ચાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રેલીમાં કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ, રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલી હોસ્પિટલ ચોકથી શાસ્ત્રીમેદાન પહોંચ્યા પછી સભામાં પરિવર્તિત થઇ હતી. શાસ્ત્રી મેદાનમાં સભા હોવાને કારણે અહીં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે નાના બાળકોમાં એક ન્યાયની દેવી અને એક બાબા સાહેબ આંબેડકર બન્યા હતા.

આ પણ  વાંચો: મોડાસા: DYSP કચેરી નજીકનો 'સરકારી ખાડો' મુખ્યમંત્રીના આગમન પૂર્વે પૂરાયો

rajkot gujarat kanhaiya kumar hardik patel Jignesh Mevani