H.K. કોલેજ વિવાદઃ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હેમંત શાહ પર પ્રહાર

12 February, 2019 12:56 PM IST  |  અમદાવાદ

H.K. કોલેજ વિવાદઃ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હેમંત શાહ પર પ્રહાર

અમદાવાદની એચ. કે. કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાનો વિવાદ વકરી રહ્યો છે. જિજ્ઞેશ મેવાણીને બોલાવવા અંગે વાર્ષિકોત્સવ રદ થયા બાદ કોલેજના કાર્યકારી આચાર્ય હેમંત શાહે રાજીનામુ આપ્યું હતું. આ રાજીનામુ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ હવે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હેમંત શાહ સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પત્ર

એચ. કે. કોલેજના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓએ હેમંત શાહને ખુલ્લો પત્ર લખીને આરોપ લગાવ્યા છે. તેમના નિર્ણય અંગે સવાલો કર્યા છે. સાથે જ કોલેજના ટ્રસ્ટીઓની માફી માગવા પણ માગ કરી છે. હેમંત શાહને ઉદ્દેશીને લખાયેલા આ પત્રમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સવાલ કર્યા છે કે હેમંત શાહે શા માટે જિજ્ઞેશ મેવાણીને બોલાવવાના નિર્ણય અંગે ટ્રસ્ટ-સ્ટાફને કેમ અગાઉથી જાણ નહોતી કરાઈ ? હેમંત શાહે સોશિયલ મીડિયા પર રાજીનામું કેમ આપ્યું ?

સાથે જ વિદ્યાર્થીઓએ પત્રમાં હેમંત શાહના રાજીનામાને નાટક ગણાવ્યું છે. વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું છે કે જિજ્ઞેશ મેવાણી વિદ્યાર્થીઓમાં સ્વીકાર્ય નથી. સાથે જ હેમંત શાહ પર આપખુદશાહી વલણ દાખવવાનો પણ આરોલ લગાવ્યો છે. તો હેમંત શાહના રાજીનામામાં ટ્રસ્ટીઓના ઉલ્લેખ સંદર્ભે વિદ્યાર્થીઓએ ટ્રસ્ટીઓની માફી માગવા પણ માગ કરી છે.

તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર નરેશ દેસાઈએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. નરેશ દેસાઈએ કહ્યું છે કે આ પ્રકારના વ્યક્તિઓને કોલેજ કેમ્પસમાં પ્રવેશ જ ન આપવો જોઈએ. gujaratimidday.com સાથે વાત કરતા નરેશ દેસાઈએ કહ્યું કે,'જે વ્યક્તિઓ જાતિવાદી વાત કરે છે, સાંપ્રદાયિક ઉશ્કેરણી કરે છે, દેશ વિરોધી વાતો કરે છે, તે વ્યક્તિ જિજ્ઞેશ મેવાણી હોય કે કોઈ પણ પ્રકારના નેતા હોય, તેમને કોલેજ કેમ્પસમાં પ્રવેશ ન જ હોવો જોઈએ.'

આ પણ વાંચોઃ એચ. કે. કોલેજ વિવાદઃજિજ્ઞેશ મેવાણીના ભાજપ પર પ્રહાર, રાજીનામાને આપ્યો ટેકો

ઉલ્લેખનીય છે કે અમદાવાદની પ્રતિષ્ઠિત એચ કે કોલેજ વિવાદોમાં સપડાઈ છે. એચ. કે. કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહે કોલેજના આચાર્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. એચ. કે. કોલેજના વાર્ષિકોત્સવમાં વડગામના ધારાસભ્ય અને કોલેજના જ પૂર્વ વિદ્યાર્થી જિજ્ઞેશ મેવાણીને આમંત્રણ આપવા બાબતે વિવાદ થયા બાદ હેમંત શાહે રાજીનામુ આપ્યુ છે. 

Jignesh Mevani gujarat news