હજી આવશે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી

19 August, 2019 02:49 PM IST  |  અમદાવાદ

હજી આવશે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટથી શરૂ કરીને રાજ્યના 49 તાલુકામાં અત્યાર સુધીમાં 40 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યના 110 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ નોંધાયો છે. તો 86 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે છ તાલુકા એવા છે જેમાં 5થી 10 ઈંચ વરસાદ પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં 1 ઈંચ જટેલો નોંધાયો છે. જ્યારે પંચમહાલ, ભાવનગર અને જૂનાગઢમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ભચાઉ તાલુકામાં 3 મિમીથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 88.49 ટકા વધુ વરસાદ પડ્યો છે. જૂન મહિનામાં 4 ઈંચ, જુલાઈમાં 9 ઈંચ અને સૌથી વધુ ઓગસ્ટમાં 15.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સિઝનનો કુલ 29 ઈંચ વરસાદ પડ્યો છે.

વધ્યો બફારો

બીજી તરફ વરસાદ અટકતા રાજ્યમાં ગરમી વધી રહી છે. વરસાદના અભાવ અને તાપમાન ઉંચે જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. એમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુ સર્જાવાથી રોગચાળો પણ વકરી રહ્યો છે. પરંતુ આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rains ahmedabad gujarat