બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને હાઈકોર્ટની મંજૂરી, ખેડૂતોની માગ ફગાવાઈ

19 September, 2019 03:18 PM IST  |  અમદાવાદ

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને હાઈકોર્ટની મંજૂરી, ખેડૂતોની માગ ફગાવાઈ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે ટૂંક સમયમાં આગળ વધી શકે છે. હાઈકોર્ટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને મંજૂરી આપી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોની ચાર ગણા વળતરની માગ ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન શરૂ થયા બાદ ખેડૂતોએ વધુ વળથરની માગ કરી હતી. ખેડૂતોની માગ હતી કે વળતરની રકમ 2011ની જંત્રી પ્રમાણે નહીં પરંતુ જ્યારે જ્યારે જમીન સંપાદિત થાય ત્યારે જે તે વિસ્તારના હાલના માર્કેટના ભાવ પ્રમાણે મળવી જોઈએ. સાથે જ ખેડૂતોએ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા અંતર્ગત વળતર ચૂકવવાની માગ કરી હતી. જો કે હાઈકોર્ટે આ માગ ફગાવી દીધી છે. આ ચુકાદાને કારણે ખેડૂતોને બજાર કિંમત કરતા ઓછી રકમનું વળતર ચૂકવવામાં આવશે.

NHSRCL એટલે કે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના ડિરેક્ટરના અનુસાર બુલેટ ટ્રેનના રૂટ માટે ગુજરાતના 5300થી વધુ પ્લોટની જમીન સંપાદિત કરવામાં આવશે. જેમાંતી 2600 જેટલા પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ચૂકી છે. બાકીની જમીન સંપાદિત કરવા માટે કામગીરી ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે બુલેટ ટ્રેનનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. કેટલાક દિવસો પહેલા બુલેટ ટ્રેનના ભાડા અંગે પણ ચર્ચા થઈ હતી. સાબરમતીથી મુંબઈ સુધીનું અંદાજીત ભાડું રૂ.3000 જેટલું હોય શકે છે. સિવિલ વર્ક માટે પણ આગામી મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે. ચાર પાંચ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની યાત્રા માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા

અમદાવાદથી મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન પાછળ 1 લાખ કરોડથી વધુનો ખર્ચ થવાનો છે. જેની જમીન સંપાદિત કરવા પાછળ જ માત્ર 17000 કરોડ રૂપિયાનો ખ્ચ થશે. બુલેટ ટ્રેનના રૂટમાં ગુજરાતમાં 158 ગામોની જમીન સંપાદીત કરવામાં આવી છે, જેમાં માત્ર 15 ગામની જમીનમાં જ જંત્રીના ભાવને લઈ તકલીફ પડી છે. રૂટમાં આવતા નાન્દેજ ગેરતપુર પાસે આવેલા ONGCના 5 કૂવા ખસેડવામાં આવ્યા છે.

ahmedabad mumbai gujarat