અમદાવાદ મેટ્રો મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાશે, જૂન 2020થી કામ શરૂ

18 November, 2019 09:46 AM IST  |  Ahmedabad

અમદાવાદ મેટ્રો મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાશે, જૂન 2020થી કામ શરૂ

ફાઈલ ફોટો

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનાં કામોની હાથ ધરેલી સર્વગ્રાહી પ્રગતિ સમીક્ષા બેઠક દરમ્યાન મેટ્રો ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવાના કામોની દરખાસ્ત અને કેન્દ્ર સરકારે આપેલી મંજૂરી સંદર્ભમાં વિશદ ચર્ચાવિચારણા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશનના એમ.ડી. એસ. એસ. રાઠોરે આ પ્રોજેકટ અંગેની વિગતો બેઠકમાં મુખ્ય પ્રધાનને આપી હતી. તદ્નુસાર મોટેરા અમદાવાદથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના કુલ ૨૮.૨૬ કિલોમીટર લંબાઈ ધરાવતા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના ટેન્ડર ટૂંક સમયમાં ઇન્વાઇટ કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ તા. ૪ માર્ચ, ૨૦૧૯ના આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ જરૂરી જીઓ ટેક્નિકલ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. હવે નજીકના ભવિષ્યમાં આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનાં ટેન્ડર ઇન્વાઇટ કરાશે તેમ બેઠકની ચર્ચા દરમ્યાન જણાવાયું હતું. આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરતાં મેટ્રો રેલના મૅનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું કે અમદાવાદ મેટ્રો રેલને મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવવાના હેતુથી ગુજરાત સરકારે રજૂ કરેલી ૫૩૮૪.૧૭ કરોડની દરખાસ્તને ગયા ફેબ્રુઆરી-૨૦૧૯માં ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પણ મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : જામનગરમાં ડેન્ગીનો કહેર, સીએ યુવતીનું મોત, જિલ્લામાં કુલ 17નાં મોત

મોટેરાથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના આ મેટ્રો રેલ પ્રોજેક્ટની બાંધકામ કામગીરી જૂન-૨૦૨૦માં શરૂ થશે અને માર્ચ-ર૦ર૪માં એ પૂર્ણ કરવાનું આયોજન છે એમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

ahmedabad gujarat Vijay Rupani