સુરતની ટીનેજરે યમનની યુવતીને આપી ધબકારાની ખુશી

29 December, 2019 08:55 AM IST  |  Surat | Tejash Modi

સુરતની ટીનેજરે યમનની યુવતીને આપી ધબકારાની ખુશી

સર્જરી

અંગદાનમાં અગ્રેસર રહેલા સુરતમાંથી પચીસમા હૃદયનું દાન કરવામાં આવ્યું છે. આ વખતે ૧૫ વર્ષની ખુશીનું હૃદય યમનની યુવતીમાં ધબકતું થયું છે. આ સાથે જ ખુશી પોતાના મૃત્યુ બાદ ૬ વ્યક્તિઓનાં જીવનમાં ખુશી આપતી ગઈ છે.

મૂળ ભાવનગરનાં પાલડી ગામના મહેશભાઈ દૂધરેજિયાની ૧૫ વર્ષની પુત્રી ખુશી સુરતની પી. પી. સવાણી સ્કૂલ ઑફ નર્સિંગમાં બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં આભ્યાસ કરતી હતી. ૨૧ ડિસેમ્બરે ટ્યુશનથી ઘરે પાછી ફરતી વખતે તેનું મૉપેડ એક વૃક્ષ સાથે અથડાતાં તેને માથામાં ગંભીર ઈજા થતાં તે બેભાન થઈ ગઈ હતી. સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તથા સોજો હોવાનું નિદાન થયું હતું. ત્યાર બાદ તબીબોએ ખુશીને બ્રેઇન-ડેડ જાહેર કરી હતી. સામાજિક કાર્યકર જગદીશ ઇટાલિયાએ સ્ટેટ ઍડ્વાઇઝરી કમિટી ફૉર ઑર્ગન અને ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઇફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલિફોન પર સંપર્ક કરીને ખુશીના બ્રેઇન-ડેડ વિશે માહિતી આપી હતી. ડોનેટ લાઇફની ટીમે હૉસ્પિટલ પહોંચીને ખુશીના પપ્પા મહેશભાઈ, ભાઈ પાર્થ વગેરેને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવીને એનું મહત્ત્વ સમજાવ્યું હતું.

ખુશીનાં મમ્મી-પપ્પાએ જણાવ્યું કે ‘અમારી દીકરી બ્રેઇન-ડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેનાં અંગોનાં દાન થકી કોઈકના લાડકવાયાને નવજીવન મળતું હોય તો એનાથી વધુ ખુશી બીજી કોઈ ન હોઈ શકે એટલે અંગદાન માટે અમે તૈયાર છીએ.’

હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે B+ve બ્લડ-ગ્રુપનો કોઈ ભારતીય દરદી ન હોવાને કારણે NOTTO દ્વારા હૃદય મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી યમન દેશની યુવતીને ફાળવવામાં આવ્યું. મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલની ટીમે સુરત આવીને હૃદયનું દાન સ્વીકાર્યું. સુરતથી મુંબઈની હૉસ્પિટલ સુધીનું ૨૯૧ કિલોમીટરનું અંતર ૧૧૦ મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ યમન દેશની ૨૪ વર્ષની યુવતીમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ૪ વર્ષ અને ૧૦ વર્ષનાં બાળકોમાં તેમ જ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ૧૭ વર્ષના એક બાળકમાં અમદાવાદમાં કરવામાં આવ્યું છે.

surat gujarat