દેશમાં પ્રથમ ઘટના : ગણેશભક્તો માટે 1 કરોડ રૂપિયાથી વધુનો વીમો ઉતરાવ્યો

08 September, 2019 11:05 AM IST  |  સુરત

દેશમાં પ્રથમ ઘટના : ગણેશભક્તો માટે 1 કરોડ રૂપિયાથી વધુનો વીમો ઉતરાવ્યો

બાપ્પા

એક તરફ દેશમાં નાના-મોટા ઉદ્યોગકારો સૌ મંદી-મંદીની બૂમો પાડી રહ્યા છે ત્યારે દેશભરમાં ઊજવાઈ રહેલા ગણેશોત્સવની તામજામ પાછળ થઈ રહેલા ખર્ચને જોઈ મંદીની અસર જાણે ભુલાઈ ગઈ છે. આ સાથે મંદી શબ્દની અસર ઓછી કરેએવી ઘટના સુરતમાં બની છે. શહેરના ૪ મોટા ગણેશ આયોજકોએ મૂર્તિ અને મંડપની સાથોસાથ ગણેશભક્તો માટે પણ ૧ કરોડ રૂપિયાથી વધુનો વીમો ઉતરાવ્યો છે. ભક્તજન ભાગદોડમાં જીવ ગુમાવે કે પ્રસાદ ખાઈને બીમાર પડે તો પણ વીમાની રકમ ક્લેમ કરી શકાશે.

સુરતમાં ઊજવાતા ઉત્સવો દર વર્ષે એક નવા બેન્ચમાર્ક સેટ કરતા હોય છે. ગયા વર્ષે સુરતમાં એકેય મૂર્તિનું વિસર્જન તાપી નદીમાં ન કરીને સીધું દરિયા કે કૃત્રિમ તળાવમાં કરીને પાણીમાં પ્રદૂષણ ન કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જ્યારે આ વર્ષે શહેરના નાના-મોટા આયોજકોએ માટીની મૂર્તિની સ્થાપનાની સાથે-સાથે પ્રથમ વખત ભક્તજનો માટે વીમો ઊતરાવી નવો બેન્ચમાર્ક સરજ્યો છે.

આ પણ વાંચો : મોટર વેહિકલ એક્ટ સામે જનતામાં રોષ, દંડમાં રાહત આપવા સરકારની વિચારણા

વીમો ઉતરાવનારા ટોરિન વેલ્થના મૅનેજમેન્ટ ગુરુ જિજ્ઞેશ માધવાણીએ જણાવ્યા અનુસાર વીમો એટલે માત્ર જીવન અને અકસ્માતનો નહીં, વિવિધ વસ્તુઓનો પણ હોય છે. ફિલ્મનિર્માતાઓ તેમની ફિલ્મસેટના પણ કરોડોના વીમા કરે છે. તેમણે જણાવ્યું હતું કે શહેરના આ આયોજકોએ ઉતરાવેલો વીમો મૂર્તિ, મંડપ કે આયોજકો પૂરતો સીમિત રહ્યો નથી. આ વીમાથી ગણપતિનાં દર્શન કરવા આવનારા ભક્તજનોને પણ વીમાનું કવચ આપવામાં આવ્યું છે. આ વીમા-કવચથી ભક્તજનો ભાગદોડમાં જીવ ગુમાવે, પ્રસાદ ખાઈને બીમાર પડી જાય તો પણ વીમાની રકમ મળી શકે. કોઈ ઝઘડો-મારામારીની ઘટનામાં, આયોજકો પર કેસ થાય વગેરે જેવાં અનેક પ્રકારનાં વિઘ્ન સામે આયોજકો માટે આ વીમો વિઘ્નહર્તા બની ગયો છે.

surat gujarat ganpati