‘એલાવ, ધીમે શું હલાવો છો, ફાસ્ટ હલાવો’: વિજય રૂપાણી

25 August, 2019 08:06 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

‘એલાવ, ધીમે શું હલાવો છો, ફાસ્ટ હલાવો’: વિજય રૂપાણી

વિજય રૂપાણી

દેશભરમાં પ્રચલિત થયેલા રાજકોટના લોકમેળામાં ફરવા માટે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગયા હતા. તેમનો કાર્યક્રમ એક કલાકનો હતો, પણ મેળો જોઈને પોતાના નાનપણ અને યુવાનીના દિવસો વિજયભાઈને એવા તો યાદ આવી ગયા કે તેમણે મેળામાં અઢી કલાક પસાર કર્યા અને એ અઢી કલાક દરમ્યાન સ્ટૉલ્સની મુલાકાત પણ લીધી અને બંદૂકથી ફુગ્ગા પણ ફોડ્યા. વિજયભાઈ સાથે તેમનાં વાઇફ અંજલિ રૂપાણી પણ હતાં. એક તબક્કે આખો મેળો ફરી લીધા પછી વિજયભાઈએ જ કહ્યું કે ફજરમાં બેઠા વિના મેળો ફર્યા ન કહેવાય.

આવું કહીને વિજયભાઈએ અંજલિબહેનને પણ સાથે બેસવાનું કહ્યું, પણ તેમણે ના પાડતાં સૌકોઈને એવું લાગ્યું કે વિજયભાઈ પ્રોગ્રામ કૅન્સલ કરશે, પણ મેળાના મૂડમાં આવી ગયેલા વિજયભાઈએ એવું કરવાને બદલે તેમના બીજેપીના કાર્યકરો સાથે ફજરમાં બેસવાનું પસંદ કર્યું અને મસ્ત રીતે ફજરમાં બેઠા પણ ખરા.

ચકરડી ચાલવાની શરૂઆત થઈ અને બે રાઉન્ડ પૂરા થયા એટલે વિજયભાઈએ ચકરડી ચલાવતા ઑપરેટરને રાડ પાડીને કહ્યું, ‘એલાવ, ધીમે શું હલાવો છો, ફાસ્ટ હલાવો...’ મજાની વાત એ છે કે મુખ્ય પ્રધાને ચકરડીમાં બેસતી વખતે એ ચકરડીનું એનઓસી જોવાની તસ્દી પણ નહોતી લીધી અને મેળાના મૂડમાં એમ જ સીધા ચકરડીમાં ગોઠવાઈ ગયા હતા. તેમનો સિક્યૉરિટી સ્ટાફ જરા મૂંઝાયો ત્યારે વિજયભાઈએ જ ઇશારા સાથે તેમને નીચે રહેવા કહ્યું હતું.

gujarat Vijay Rupani rajkot