ઉમરપાડામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ ધોવાયા

12 September, 2019 08:42 AM IST  |  સુરત

ઉમરપાડામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ ધોવાયા

ગુજરાતમાં ભારે વરસાદ

સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં ૧૨થી ૪ વાગ્યા સુધીમાં ઉમરપાડામાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ઉમરપાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે જ્યારે ધોધમાર વરસાદના પગલે ઉમરપાડાના અનેક વિસ્તારોના રસ્તાઓ ધોવાઈ ગયા છે જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત જિલ્લાના ઉમરપાડામાં એક દિવસ પહેલાં ૧૬ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે આજે બપોરથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ૧૨થી ૪ વાગ્યામાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ ખાબકતાં ચોતરફ પાણી-પાણી થઈ ગયું છે. ઉમરપાડામાં ૪ ઇંચ વરસાદ વરસતાં તળાવ, ચેકડૅમો વરસાદી પાણીથી ઊભરાયા છે. તેમ જ કેટલાક નાના ચેકડૅમો, કોઝવે ઓવરફ્લો થયા છે. ઉમરપાડા બજારના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યાં છે.

આ પણ વાંચો : જામખંભાળિયામાં મેઘરાજાની તોફાની બૅટિંગ, બે કલાકમાં સાડાછ ઇંચ વરસાદ

અનેક કોઝવે પૂરના પાણીમાં ધોવાણ થયાં હતાં અને રસ્તા પણ તૂટી જતાં વાહનવ્યવહાર પર માઠી અસર થઈ હોવાનું જાણવા મળે છે. ઉપરાંત નવાચક્રા ગામે ચેકડૅમ ધોવાયો હતો. મેઘરાજાના ઉમરપાડા તાલુકામાં ચાલુ સીઝનમાં મહેર રહી છે. અત્યાર સુધીમાં સવાસો ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ધોધમાર વરસાદ પડતાં તાલુકાનાં તમામ નદીનાળાં બે કાંઠે થઈ ગાંડાતૂર બન્યાં છે. વરસાદી પાણીના કારણે તાલુકાના અનેક કોઝવે ધોવાઈ ગયા છે.

surat Gujarat Rains