વીજળીના કડાકા-ભડાકા સાથે કચ્છમાં ઠેર ઠેર કરા

15 November, 2019 09:44 AM IST  |  Bhuj

વીજળીના કડાકા-ભડાકા સાથે કચ્છમાં ઠેર ઠેર કરા

વરસાદ

દક્ષિણ રાજસ્થાન પર સર્જાયેલા અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે બુધવારની મધ્યરાત્રિથી સરહદી જિલ્લા કચ્છના વાતાવરણમાં ફરી પાછો પલટો આવ્યો છે. આવા હવામાનની અસર હેઠળ ભુજ ખાતે બપોર બાદ આજે અચાનક કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યું હતું. પશ્ચિમ-દક્ષિણ દિશાએથી અચાનક ગાજવીજ સાથે વાદળો ધસી આવ્યાં હતાં અને જોશભેર ઝાપટું વરસી પડતાં ભુજ શહેરમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે. આજે ભરબપોરે ભુજ સહિત કચ્છના અન્ય વિસ્તારોમાં અષાઢી મેઘાડંબર સર્જાયો હતો અને ઝાપટું વરસી ગયા બાદ ઠંડા પવનોએ આક્રમણ કર્યું હતું.

આ પૂર્વે બુધવારે રાત્રે ૧૨.૩૦ વાગ્યા બાદ રાપર તાલુકાના કુંભારિયા અને રણકાંધીના ખાવડા- બન્ની-પચ્છમ સુધીનાં ગામોમાં કરા સાથે કમોસમી વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. આ ઉપરાંત પાવરપટ્ટીના ઝુરા સહિતનાં ગામોમાં પણ ધોધમાર ઝાપટાં વરસ્યાં છે.

બપોરે અઢી વાગ્યા બાદ અબડાસા-લખપત તાલુકાઓમાં પણ કરા સાથે માવઠું થવા પામ્યું છે. આજે પરોઢે સીમાવર્તી ખાવડામાં કરા સાથે ધોધમાર બેથી અઢી ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબકતાં લોકો અચરજમાં મુકાયા છે. ખાવડા સાથે આસપાસના નાના દિનારા, ધ્રોબાણા, પૈયા સહિત પચ્છમની વિવિધ વાંઢમાં મોટા-મોટા કરા સાથે વરસાદ ખાબક્યો હતો. બપોરે અઢી વાગ્યા બાદ લખપતના દયાપરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. માતાના મઢમાં કરા વરસ્યા હતા. અબડાસાનાં ડુમરા, મંજલ, કરોડિયા સહિતનાં ગામોમાં પણ ભારે ગાજવીજ અને કરા સાથે ઝાપટાં પડ્યાં હોવાના અહેવાલો મળી રહ્યા છે.

gujarat Gujarat Rains bhuj