ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૅગેજ સ્ક્રીનિંગ માટે લાઇનો નહીં લાગે

19 November, 2019 11:03 AM IST  |  Ahmedabad

ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૅગેજ સ્ક્રીનિંગ માટે લાઇનો નહીં લાગે

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૅગેજ સ્ક્રીનિંગ મશીનો હવે ઍરલાઇન્સ કાઉન્ટરની પાછળ એટલે ડિપાર્ચર બિલ્ડિંગની બહાર મુકાશે, જેની કામગીરી પણ શરૂ થઈ છે. હવે મુસાફરોને બૅગેજ ઍરલાઇન્સ કાઉન્ટર ઉપર વજન કરાવી કન્વેયર બેલ્ટ પર મૂકવાનું રહેશે. જે બૅગેજ સીધું ડિપાર્ચર બિલ્ડિંગ બહારના સ્ક્રીનિંગ મશીનમાં ચેક થશે. જો બૅગેજમાં કોઈ વાંધાજનક વસ્તુ દેખાશે તો એ બૅગેજ પરત ફરશે અને જે-તે મુસાફરનું ક્રૉસ વેરિફિકેશન થશે.

અમદાવાદ ઍરપોર્ટના ખાનગીકરણની જાહેરાત પછી એમાં સુધારા-વધારા શરૂ થઈ ગયા છે. હવે મુસાફરોની સુવિધા માટે બૅગેજ સ્ક્રીનિંગ મશીનો ઍરલાઇન્સ કાઉન્ટરની પાછળ ડિપાર્ચર બિલ્ડિંગ બહાર મુકાશે. હાલમાં ઇન્ટરનૅશનલ ડિપાર્ચર બિલ્ડિંગમાં મુસાફર એન્ટ્રી લે ત્યારે ઍરલાઇન્સ કાઉન્ટર પર બૅગેજનું ઍરલાઇન્સના સ્ક્રીનિંગ મશીનમાં ચેકિંગ થાય છે. બૅગેજ સીલ થયા બાદ મુસાફરને ઍરલાઇન્સ કાઉન્ટર પરથી બૅગેજનું વજન કરાવી બોર્ડિંગ પાસ લેવા જવાનું હોય છે. રાત્રે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સનું આવાગમન ખૂબ જ વધારે હોવાથી ડિપાર્ચર બિલ્ડિંગમાં બૅગેજ ‍સ્ક્રીનિંગ માટે મુસાફરોની લાંબી લાઇનો લાગે છે.

આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતી બોલીઃ ‘હું સુરક્ષિત છું, માતાપિતાના આક્ષેપો ખોટા’

આ સ્થિતિ ટાળવા માટે હવે પ્રત્યેક ઍરલાઇન્સના કાઉન્ટર પરથી બૅગેજનું વજન કરીને કન્વેયર બેલ્ટ ઉપર મુકાશે અને એ ડિપાર્ચર બિલ્ડિંગ બહારના સ્ક્રીનિંગ મશીનમાં ચેક થઈને આપોઆપ સીલ લાગી જશે. બીજી તરફ મુસાફર આરામથી બોર્ડિંગની પ્રક્રિયા પૂરી કરી શકશે. અધિકારીઓના મતે આ પ્રક્રિયાથી મુસાફરોનો ૨૦ મિનિટનો સમય બચશે.

ahmedabad gujarat