અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડું સક્રિય, ખેડૂતોની દિવાળી બગડી શકે

26 October, 2019 11:36 AM IST  |  ભરૂચ

અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડું સક્રિય, ખેડૂતોની દિવાળી બગડી શકે

વાવાઝોડું

અરબી સમુદ્રમાં ‘ક્યાર’ નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું દર છ કલાકે સાત કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી ૧૨ કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બની શકે છે. વાવાઝોડાને કારણે ખેડૂતોના તૈયાર પાકને વધારે નુકસાન થવાની સંભાવના રહેલી છે. 

હાલ ૭૦થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું વધુ મજબૂત બન્યા બાદ ઓમાન તરફ ફંટાશે. જોકે, વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારે જોવા મળશે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : કૉન્ગ્રેસે ગરીબી હટાવવાને બદલે ગરીબોને હટાવ્યાઃ અમિત શાહ

દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી વકી છે. દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી ૪૯૨ કિમી દૂર સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં એનડીઆરએફની ટીમને અલર્ટ પર રખાઇ છે. સંભવિત સાયક્લોનને લઈને ગુજરાત તંત્ર અલર્ટ છે, ત્યારે વાવાઝોડાની શક્યતાને પગલે દ્વારકાના મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દ્વારકાના સાયલા, વાડીનાર, ભોગત, નાવદ્રા બેટનાં બંદરોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે.

gujarat