ગુજરાતમાં રાજકોટ સૌથી ઠંડું શહેર, લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું

23 December, 2019 08:54 AM IST  |  Gandhinagar

ગુજરાતમાં રાજકોટ સૌથી ઠંડું શહેર, લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં ઠંડીનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ ગુજરાતમાં પવનની દિશા બદલાતાં જ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને હજી પણ આગામી બે દિવસ લઘુતમ તાપમાન યથાવત રહેશે. ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે ઉત્તર તરફના પવન ગુજરાત પર ફૂંકાતા હોય છે અને એના કારણે ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ ચાલુ શિયાળામાં પવનની દિશા બદલાતી રહે છે. અત્યારે પણ ગુજરાત પર ઉત્તર પૂર્વ-પૂર્વના પવનો ફૂંકાયા છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને હજી પણ આગામી દિવસ પવનની દિશા યથાવત રહેશે. એના કારણે લઘુતમ તાપમાન પણ યથાવત રહેશે.

પવનની દિશા બદલાતાંની સાથે લઘુતમ તાપમાનમાં ૭ ડિગ્રીનો વધારો થયો છે. એટલે કે તમામ શહેરના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે હવામાન વિભાગનું અનુમાન છે કે ડિસેમ્બરના એન્ડમાં પવનની દિશા ફરી બદલાશે અને ઠંડીનું પ્રમાણ વધશે.

આ પણ વાંચો : મુંબઈ: બે વર્ષમાં 9.18 લાખ ઉંદર માર્યાનો પાલિકાનો દાવો

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં સૌથી ઠંડું શહેર રાજકોટ નોંધાયું છે. રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૩.૩ ડિગ્રી નોંધાયું છે તો નલિયાનું લઘુતમ તાપમાન ૧૩.૪ નોંધાયું છે. ચાર દિવસ પહેલા નલિયાનું લઘુતમ તાપમાન ૬.૨ ડિગ્રી નોંધાયું હતું. પરંતુ પવનની દિશા બદલાતાં ઠંડીનું જોર ઘટી ગયું છે. અન્ય શહેરના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી, ડીસાનું ૧૫.૪ ડિગ્રી, વડોદરાનું ૧૭ ડિગ્રી, સુરતનું ૧૯.૫ ડિગ્રી, ભુજનું લઘુતમ તાપમાન ૧૪.૬ ડિગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું છે. એટલે કે તમામ શહેરનું લઘુતમ તાપમાન ૧૩થી ૨૦ ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. તાપમાન વઘતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે.

gujarat gandhinagar