બીજેપી અને કૉંગ્રેસના 70 ધારાસભ્યોને આઇટી વિભાગે ફટકારી નોટિસ

18 July, 2019 08:24 AM IST  |  ગાંધીનગર

બીજેપી અને કૉંગ્રેસના 70 ધારાસભ્યોને આઇટી વિભાગે ફટકારી નોટિસ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના ધારાસભ્યો પર ઇન્કમ ટૅક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ ગુજરાત વિધાનસભાના ૧૮૨ ધારાસભ્યો પૈકી ૭૦ ધારાસભ્યોને ઇન્કમ ટૅક્સ વિભાગે નોટિસ ફટકારી છે.

વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમના દ્વારા કરવામાં આવેલી ઍફિડેવિટ અને ભરવામાં આવેલા આઇટી રિટર્નમાં મોટો તફાવત જોવા મળ્યો છે. બન્નેના આંકડાઓમાં તફાવત હોવાના કારણે બીજેપી અને કૉંગ્રેસના ૭૦ ધારાસભ્યો ઇન્કમ ટૅક્સ વિભાગની આંખે ચડી ગયા છે.

આ મામલે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે આ ઘટના મારી જાણમાં છે. અનેક ધારાસભ્યોને ઇન્કમ ટૅક્સ વિભાગની નોટીસ મળી છે અને જન પ્રતિનિધિ તરીકે આપણી ફરજ બને છે કે કાયદાની સંગત ચાલીને સહકાર આપવો જોઈએ.
રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા ઇન્કમ ટૅક્સ વિભાગને વિસંગતતાવાળી ઍફિડેવિટ અને આઇટી રિટર્ન અલગ તારવવા જણાવ્યું હતું, જેના ભાગરૂપે વિભાગે ધારાસભ્યોને નોટિસ પાઠવીને વધુ સ્પષ્ટતા માગી રહ્યું છે.

જોકે મને આવી કોઈ નોટિસ મળી નથી, આ ઘટના બાદ રાજ્યમાં જાણે ભૂકંપ આવી ગયો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ઇન્કમ ટૅક્સ વિભાગે નોટિસ ફટકારી હોય એવું પહેલું રાજ્ય છે. ઇન્કમ ટૅક્સ વિભાગે આ મામલે જણાવ્યું છે કે ગુજરાતના ૭૦ ધારાસભ્યોને નોટિસ ફટકારી છે એ વાત સાચી છે. જોકે બીજેપી અને કૉંગ્રેસના કયા-કયા નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે એની માહિતી ગોપનીયતાના કાયદાના કારણે આપી નહોતી.

આ પણ વાંચો : પાઈપમાં કાટના કારણે થઈ કાંકરિયા રાઈડ દુર્ઘટના, FSL રિપોર્ટ કરાયો રજૂ

આ આખી ઘટનામાં ઇન્કમ ટૅક્સ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તમામ ધારાસભ્યોને વિસંગત‌િ મામલે સ્પષ્ટતા કરવા અમે પૂરતો સમય આપ્યો છે. જો તેમ છતાં અમને કોઈ સંતોષજનક જવાબ નહીં મળે તો અમે નિયમ મુજબ તેમની વિરુદ્ધ પગલાં ભરીશું.

gujarat gandhinagar income tax department bharatiya janata party Gujarat Congress