વડોદરામાં પ્લાયવુડના શોરૂમમાં ભીષણ આગ : રહીશોને રેસ્ક્યુ કરાયા

23 December, 2019 10:01 AM IST  |  Vadodara

વડોદરામાં પ્લાયવુડના શોરૂમમાં ભીષણ આગ : રહીશોને રેસ્ક્યુ કરાયા

વડોદરામાં પ્લાયવુડના શોરૂમમાં ભીષણ આગ

શનિવારે જ્યારે શિયાળાની મોડી રાતે વડોદરાના આજવા વિસ્તારના રહીશો ભરનિદ્રામાં હતા ત્યારે ઉમિયા હાર્ડવેર નામની બે માળની પ્લાયવુડની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતાં આખો શોરૂમ બની ભસ્મ થઈ ગયો હતો. દુકાનની આસપાસના વિસ્તારોમાં અન્ય ૩૦ દુકાનો આગની લપેટમાં આવે એ પહેલાં ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર-બ્રિગેડની ૧૦ ગાડીઓએ ૩ કલાક સુધી વૉટરકેનનનો મારો કરતાં મોટી દુર્ઘટના ટળી હતી. આસપાસના વિસ્તારોમાં રહેતા રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગના કારણે બાજુમાં આવેલું માર્બલનું ગોડાઉન પણ લપેટમાં આવી ગયું હતું. આગની જાણ થતાં જ મધ્ય ગુજરાત વીજ કંપનીએ સતર્કતા દાખવી અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવી નાખ્યો હતો. વીજ પુરવઠો બંધ થયા બાદ રાતના અંધકારમાં ફાયર-બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં રાજકોટ સૌથી ઠંડું શહેર, લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું

આગના કારણે શોરૂમમાં લાખો રૂપિયાનું નુકસાન ગયું હોવાની આશંકા છે. જોકે સમયસર કામગીરી ન થઈ હોત તો નજીકના અપાર્ટમેન્ટમાં રહેતા રહીશો ફસાઈ જવાની વકી હતી. ફાયર-બ્રિગેડે આગ બુઝાવવાની સાથે-સાથે નજીકના અપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને મોડી રાત્રે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.

gujarat vadodara