70 લાખ ખેડૂતોને મળશે કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ: નીતિન પટેલ

11 February, 2019 07:56 PM IST  |  વડોદરા

70 લાખ ખેડૂતોને મળશે કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ: નીતિન પટેલ

નીતિન પટેલ (ફાઇલ ફોટો)

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરાની એક દિવસીય મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શહેરના વિવિધ કાર્યોના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં મહેસૂલ-કૃષિ વિભાગ દ્વારા ખેડૂત લાભાર્થીઓનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. રાજ્યના અંદાજે ૭૦ લાખ જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ 2 હેકટર જમીન ધરાવતા પ્રત્યેક ખેડૂત ખાતેદારને દર વર્ષે રૂા. ૬૦૦૦/-ની ઇનપુટ સહાય સીધે સીધી તેમના ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવશે.

નીતિન પટેલે વિરોધપક્ષનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ યોજના અંગે વિરોધીઓ કેટલીક ગેરસમજો ઊભી કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોએ તેનાથી ભરમાવાની જરૂર નથી. ભારત સરકારના ધારાધોરણો હેઠળ મહત્તમ ખેડૂતોને યોજનાનો લાભ મળવાનો છે. રાજ્યમાં યોજનાના લાભો આપવા માટે ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: નવસારીઃ3.50 કરોડની જૂની ચલણી નોટ સાથે 4 ઝડપાયા

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને સરદાર સરોવર નર્મદા યોજના મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ચોમાસામાં ઓછા વરસાદને કારણે ડેમોમાં નહિવત્ પાણી ભરાયું છે. સરદાર સરોવરનું કામ પૂર્ણ થતાં ૧૩૮ મીટર સુધી પાણી ભરી શક્યા છીએ. આ ઉપરાંત મધ્યપ્રદેશના ઇંદિરા સાગર સરોવરમાંથી ગુજરાતને ભાગે પડતું પાણી મળે છે. રાજ્યમાં આગામી જુલાઇ સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.

Nitin Patel