ઇકો કાર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં બેનાં મોત, બે ગંભીર

06 October, 2019 09:18 AM IST  |  સુરત

ઇકો કાર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં બેનાં મોત, બે ગંભીર

સુરતમાં ભારે અકસ્માત

સુરત જિલ્લાના કોસંબાની સાવા ચોકડી પાસે નૅશનલ હાઇવે નંબર ૪૮ પર ઇકો કાર ઊભેલાં કન્ટેનર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં બે લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. અકસ્માતની ભયાવહતા તમે એ વાત પરથી સમજી શકો છો કે, ઇકો કારનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી પડી હતી. હાલ કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

કલોલથી ઇકો કારમાં (જીજે ૧૮ બીજે ૧૨૬૫) ચાર વ્યક્તિઓ બારડોલી કામ માટે જઈ રહી હતી. તે દરમ્યાન વહેલી સવારે કોસંબા પાસે મહુવેજ ગામની સીમમાં ચોકલેટ બનાવતી ફૅક્ટરી સામે નૅશનલ હાઇવે નંબર ૪૮ પરથી જતી હતી ત્યારે રોડની એક બાજુ ઊભેલા ટ્રેલર (જીજે ૧૨ એયુ ૮૧૪૩) પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ઘટના સ્થળે બે લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બે લોકોનો બચાવ થયો છે.

આ પણ વાંચો : કચ્છની સાગર સીમાએથી પાકિસ્તાની ઘૂસણખોરો ઘૂસી આવ્યા?

આ અકસ્માતમાં ઇકો કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનું ઉપરનું પતરું વળી ગયું હતું. આ કારમાંથી મૃતદેહને બહાર લાવવા માટે કારનું પતરું તોડવું પડ્યું હતું. હાલ મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તો આ ગમખ્વાર અકસ્માતને કારણે લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં અને હાઈવે ઉપર ટ્રાફિક જૅમ સર્જાયો હતો. મૃતકોમાં પંકજભાઈ શંકરભાઈ લેવા, મહેશગિરિ કનુભાઈ ગોસ્વામીનો સમાવેશ છે.

surat gujarat