3 સપ્તાહમાં અમરેલીમાંથી 11 દીપડા પાંજરે પુરાયા, 8 લોકો શિકાર બન્યા

20 November, 2019 09:37 AM IST  |  Amreli

3 સપ્તાહમાં અમરેલીમાંથી 11 દીપડા પાંજરે પુરાયા, 8 લોકો શિકાર બન્યા

પ્રતીકાત્મક તસવીર

૩ સપ્તાહમાં ગુજરાતના જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી ૧૧ માનવભક્ષી દીપડા પાંજરે પુરાયા છે. આ વિશે પુષ્ટિ કરતાં જૂનાગઢ મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે આ ઝડપાયેલા દીપડાઓએ એપ્રિલથી અત્યાર સુધી જુદી-જુદી જગ્યાએ કુલ ૮ લોકોનાં મોત માટે જવાબદાર છે. શનિવારે રાત્રે અમરેલીના માણેકવાડા ગામથી એક માદા દીપડો ઝડપાયો હતો.

વસાવડાએ જણાવ્યું હતું કે ૧૩ નવેમ્બરે એક દીપડો અમરેલીના લુઘિયા ગામથી ઝડપાયો હતો. બીજા દિવસે જૂનાગઢના શિવથલી ગામથી ઝડપાયો હતો. આ દીપડા જૂનાગઢના વિસાવદર અને ધારીના બગસરામાં દેખાયા હતા જ્યાં એપ્રિલથી અત્યાર સુધીમાં દીપડાના હુમલાથી આઠ લોકોનાં મોત થયાં હતાં. સાસણમાં દીપડાને પકડવા માટે રેસ્ક્યુ સેન્ટર ખોલવામાં આવ્યાં છે, કેમ કે માનવ પર હુમલા પાછળ દીપડા જ જવાબદાર છે.

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાનનો પારો પાંચ ડિગ્રી ગગડ્યો

છેલ્લા મહિને વિસાવદરના ૬૦ વર્ષના વાલાભાઈ મારુ, પાંચ વર્ષનો બાળક અને અન્ય બે લોકોનાં દીપડાના હુમલાથી મોત બાદ દીપડાને પકડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ લોકો પર દીપડાના વધતા હુમલાઓ બાદ હવે પાંજરે પુરાયેલા દીપડાઓને વહેલા મુક્ત કરવામાં નહીં આવે.

gujarat