ખનીજચોરી કેસમાં પૂર્વ એમએલએ ભગા બારડની સજા પર હાઈ કોર્ટે સ્ટે આપ્યો

11 July, 2019 08:27 AM IST  |  અમદાવાદ

ખનીજચોરી કેસમાં પૂર્વ એમએલએ ભગા બારડની સજા પર હાઈ કોર્ટે સ્ટે આપ્યો

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર

તાલાલા મતવિસ્તારના કૉન્ગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગા બારડ માટે રાહતના સમાચાર આવ્યા છે. ખનીજચોરી કેસમાં ભગા બારડને નીચલી કોર્ટે ફટકારેલી સજાના હુકમ સામે સ્ટે હટાવી દેવાનો વેરાવળની સેશન્સ કોર્ટે આદેશ કર્યો હતો, જેની સામે ભગા બારડે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ એસ. એસ. વોરાએ આ પિટિશનની સુનાવણી હાથ ધરી હતી અને હાઈ કોર્ટે ભગા બારડની સજા પર સ્ટે આપ્યો હતો.

આ અગાઉ સજાના હુકમ સામે મનાઈ હુકમ આપવાના મુદ્દે સેશન્સ કોર્ટમાં ત્રીજી વખત મૅટરની ફરી વાર સુનાવણી થઈ હતી. ત્યાર બાદ સેશન્સ કોર્ટે અપીલ રદ કરતાં હાઈ કોર્ટમાં આ ત્રીજી વખત પિટિશન થઈ છે.

ખનીજચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે પહેલી માર્ચના કોંગીના ધારાસભ્ય ભગા બારડને સજા ફટકારી હતી. આ સજાના હુકમ સામે સેશન્સ કોર્ટે મનાઈ હુકમ આપી દીધો હતો. સેશન્સ કોર્ટના હુકમ સામે રાજય સરકારે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી જેમાં હાઈ કોર્ટનાં ન્યાયર્મૂતિ સોનિયાબહેન ગોકાણીએ સેશન્સ કોર્ટના હુકમમાં મનાઈ હુકમ આપવા પાછળનાં કારણો જણાવ્યાં નહીં હોવાથી સેશન્સ કોર્ટનો હુકમ રદબાતલ ઠરાવીને નવેસરથી સાંભળવા આદેશ આપ્યો હતો. એથી વેરાવળ સેશન્સ કોર્ટે નવેસરથી સુનાવણી હાથ ધરીને સજાના હુકમ સામે આપેલો મનાઈ હુકમ રદ ઠરાવ્યો હતો.

આ પણ વાંચો : મૉબલિન્ચિંગની રૅલીમાં ઘર્ષણ મામલે વધુ 48 લોકોની ધરપકડ કરાઈ

આ હુકમને ભગા બારડે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં હાઈ કોર્ટે ફરી વાર કેસની સુનાવણી હાથ ધરીને કારણો સાથેનો ઑર્ડર કરવા હુકમ કર્યો હતો.

ahmedabad gujarat Gujarat Congress