કચ્છમાં એક દિવસમાં ધરતીકંપના પાંચ આંચકા

19 November, 2019 09:15 AM IST  |  Bhuj | Utsav Vaidh

કચ્છમાં એક દિવસમાં ધરતીકંપના પાંચ આંચકા

ફાઈલ ફોટો

અસામાન્ય રીતે લાંબાં ચોમાસાં, કરા સાથેના માવઠા બાદ, શરૂ થયેલા ઠંડા પવનોના આક્રમણ વચ્ચે કચ્છમાં ફરી ધરતીકંપના આંચકાઓએ હાજરી પુરાવતાં ગભરાટ ફેલાવા પામ્યો છે. આજે ભુજ સહિતના કચ્છના અન્ય વિસ્તારોમાં પણ સાંજે ૭.૦૧ મિનિટે રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકાએ કચ્છની ધરાને ધ્રૂજવી હતી. એના પછી ૮.૨૪એ પાંચમો આંચકો અનુભવાયો હતો જેને કારણે કેટલાક કાચા મકાનોમાં તિરાડ પડી ગઈ હતી અને લોકોમાં ખાસ્સો ગભરાટ વ્યાપી ગયો હતો.
આ આંચકાનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના ભચાઉથી ૨૩ કિલોમીટર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું હતું અને એ જમીનમાં લગભગ ૧૬ કિલોમીટર અંદર ઉદ્ભવ્યો હતો. ભચાઉ આસપાસનાં ગામો જેવાં કે ધમડકા, નવાગામ, ચાંદ્રાણી, આમરડી અને  ધાણેટીમાં પણ આ આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળે છે.

આ આંચકાને પગલે ભુજના સંખ્યાબંધ વિસ્તારોમાં આવેલાં બહુમાળી મકાનોમાંથી લોકો ભયના માર્યા નીચે ઊતરી આવ્યા હતા. ભૂકંપનો આંચકો લાંબો સમય અનુભવાયો હતો અને ભુજના કોટ અંદરના વિસ્તારોમાં પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવતાં લોકો પોતપોતાનાં ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. અંજારમાં પણ ભૂકંપના આંચકાની તીવ્ર અનુભૂતિ થવા પામી હતી.
અંજારથી મિહિર અંજારિયાએ જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલમાં અને તેમની પૅથોલૉજીની લૅબોરેટરીમાં દરદીઓએ પણ આંચકાનો અનુભવ કર્યો હતો. અંજાર ઉપરાંત ગાંધીધામમાં પણ ધરતીકંપના આંચકાએ ભારે ગભરાટ ફેલાવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદઃ ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી, ફાયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે

કચ્છમાં સોમવારે એક જ દિવસમાં ભૂકંપના ચાર આંચકાઓ નોંધાયા છે. રવિવારની મધ્ય રાત્રિ બાદ રિક્ટર સ્કેલ પર ૨.૦ની તીવ્રતાવાળો, સવારે ૯.૨૨ મિનિટે ૨.૭ની તીવ્રતાવાળો, બપોરે એક વાગ્યે ૨.૪ની તીવ્રતાવાળો અને સાંજે ૭ અને ૧ મિનિટે ૪.૩ની તીવ્રતાવાળા આંચકા કચ્છમાં અનુભવાયા છે.

gujarat bhuj kutch earthquake