રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાનનો પારો પાંચ ડિગ્રી ગગડ્યો

20 November, 2019 09:25 AM IST  |  Gandhinagar

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાનનો પારો પાંચ ડિગ્રી ગગડ્યો

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાતે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે ધીમે-ધીમે તાપમાન ઘટી રહ્યું છે અને આગામી દિવસમાં ઠંડીનું પ્રમાણ વધશે. જોકે ઉત્તર-પૂર્વના પવનની સાથે લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને હજી પણ આગામી દિવસમાં ઉત્તર તરફના પવન ફૂંકાવાની સાથે ઠંડીનું પ્રમાણ વધશે.

જોકે ગુજરાતમાં શિયાળાની ઠંડીનો અહેસાસ ડિસેમ્બર મહિનામાં થતો હોય છે. પવનની દિશા બદલાતાની સાથે એક સપ્તાહમાં રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી ગગડ્યો છે. આ મામલે હવામાન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે ‘શિયાળાની ઠંડીનો અહેસાસ ધીમે-ધીમે થવા લાગશે અને જેમ-જેમ ડિસેમ્બર નજીક આવશે તેમ-તેમ ઠંડીનું પ્રમાણ વધશે અને ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતનું તાપમાન નીચું રહેશે.’

ગુજરાતમાં સૌથી ઠંડું શહેર ગાંધીનગર નોંધાયું હતું અને ગાંધીનગરનું તાપમાન ૧૫.૫ ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી રહ્યું છે, ડીસા અને વડોદરાનું લઘુતમ તાપમાન ૧૭.૪ ડિગ્રી, સુરતનું લઘુતમ તાપમાન ૨૦.૪ ડિગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન ૧૮.૬ ડિગ્રી, નલિયાનું લઘુતમ તાપમાન ૧૫.૮ ડિગ્રી નોંધાયું છે અને મોટા ભાગના શહેરનું લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી નીચે નોંધાયું છે. એટલે કે શિયાળાના ઠંડા પવનની અસર તાપમાન પર જોવા મળી રહી છે.

gujarat gandhinagar