દ્વારકાના મોટા આસોટા ગામે આભ ફાટ્યું : 13 ઇંચ વરસાદ ખાબક્યો

07 September, 2019 09:00 AM IST  |  દ્વારકા, ગાંધીનગર

દ્વારકાના મોટા આસોટા ગામે આભ ફાટ્યું : 13 ઇંચ વરસાદ ખાબક્યો

ભારે વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે શુક્રવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર ૩ કલાકમાં જ ૧૩ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ગામ સંપર્કવિહોણું બન્યું છે અને ગામનાં મકાનો અડધાં ડૂબેલાં જોવા મળી રહ્યાં છે. ગામની બજારોમાં નદીની જેમ વહી રહ્યું છે. ભારે વરસાદથી ભેંસો, બાઇક, મોટરકાર પણ તણાયાં હોવાનું જાણવા મળ્યું છે. તેમ જ આહીર સમાજની દીવાલ પણ ધરાશાયી થઈ છે. જોકે કોઈ જાનહાનિ સર્જાયાના સમાચાર નથી. લોકોનાં ઘર અને દુકાનોમાં પાણી ભરાયાં છે.

આસોટા ગામમાં ૧૩ ઇંચથી વધુ વરસાદ પડતાં કલેક્ટર તંત્ર દોડતું થયું છે. મામલદાર, આરોગ્ય ટીમ સહિતની ટીમો દોડી આવી છે. અનરાધાર વરસાદથી મોટું નુકસાન થયાનું હાલ જાણવા મળ્યું છે. પૂરનાં પાણી ઓસરે પછી જ ગામમાં સર્જાયેલી તારાજી વિશે જાણવા મળશે. હાલ તો તંત્રએ બનતી કોશિશ કરી લોકોને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરી છે. તેમ જ જરૂર પડ્યે એનડીઆરએફની ટીમ, ફાયરબ્રિગેડ સહિતની ટીમને રવાના કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત: ઉકાઈ-આજવા ડેમ ઓવરફ્લો, નર્મદા ડેમ ભયજનક સપાટીએ

મોટા આસોટામાં ભારે વરસાદથી ગામનાં તમામ તળાવો અને ચેકડૅમો એક જ વરસાદમાં ભરાઈ ગયાં છે. તેમ જ મોટા ભાગના ખેડૂતોનાં ખેતરોના પાળા તૂટી ગયા છે અને ધોવાણ થયું છે. સવારે મુશળધાર વરસાદ પડતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું ત્યારે ગ્રામજનોમાં ભયની લાગણી જોવા મળી હતી.

Gujarat Rains dwarka gandhinagar