સીએમ રૂપાણી આજથી 3 દિવસ રશિયાના પ્રવાસે

11 August, 2019 08:37 AM IST  |  ગાંધીનગર

સીએમ રૂપાણી આજથી 3 દિવસ રશિયાના પ્રવાસે

વિજય રૂપાણી

સીએમ વિજય રૂપાણી આજથી ત્રણ દિવસ માટે રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રશિયાના વાલ્ડીવોસ્ટોકનો આ પ્રવાસ રશિયા-ભારત વચ્ચે વેપાર ઉદ્યોગ જોડાણ અને સહભાગીતાના પ્રોત્સાહન સંબંધોના હેતુસર યોજવામાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલની આગેવાનીમાં રશિયા પ્રવાસે જનારા આ પ્રતિનિધિ મંડળમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવેલો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ઉપરાંત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગોવા રાજ્યના મુખ્ય પ્રધાન પણ આ પ્રવાસમાં જોડાશે.

વિજય રૂપાણી આ પ્રવાસમાં સહભાગી થવા માટે ગઈ કાલે મોડી રાત્રે રવાના થવાના છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના રશિયા પ્રવાસ દરમિયાન રશિયન પ્રેસિડન્ટ પુતિન સાથે તેમણે સાઇબેરિયામાં ઇન્ડિયા-રશિયાના વેપાર-ઉદ્યોગ જોડાણ માટે જે મંત્રણાઓ કરી હતી એ સંદર્ભમાં આ પ્રવાસ મહત્ત્વપૂર્ણ બનવાનો છે. ભારતીય પ્રતિનિધિ મંડળ આ પ્રવાસના પ્રથમ દિવસે ભારતીય ડેલિગેશન સાથે રશિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને રશિયન ફાર ઈસ્ટર્ન ફેડરલ ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્શિયલ એન્વોય યુરી તૂર્તનેવ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની વિકાસ સંભાવનાઓ વિશે બેઠક યોજાવાની છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી સેક્ટરના બે એમઓયુ પણ આ પ્રવાસ દરમિયાન સાઇન થશે.
આ એમઓયુ અન્વયે રશિયાના યુકુટિયા રિજિયન અને ગુજરાત વચ્ચે સોર્સિસ ઑફ રફ ડાયમન્ડ માટેનો એમઓયુ થવાનો છે. રશિયન ફેડરેશનના પ્રિર્મોસ્કી ક્રી પ્રાંત અને ગુજરાત વચ્ચે થનાર એમઓયુ અંતર્ગત ગુજરાતના હીરા ઉદ્યોગ સંચાલકો દ્વારા પ્રિર્મોસ્કી ક્રી પ્રાંતમાં ડાયમન્ડ કટિંગ ઍન્ડ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના માટેના એમઓયુ થશે.

આ પણ વાંચો : અમદાવાદમાં 750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં 15માં માળે પાણી ઘુસ્યા

ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે રશિયાના ડાયમન્ડ, ટીમ્બર, ઑઇલ ઍન્ડ ગૅસ, ઍગ્રીકલ્ચર-ફૂડ પ્રોસેસિંગ, પ્રવાસન અને હેલ્થકૅર તથા ફાર્મા સેક્ટરના વેપાર-ઉદ્યોગ સંચાલકો-અધિકારીઓના સેક્ટરલ સેશન્સ પણ યોજવામાં આવ્યા છે. આ પ્રવાસ દરમ્યાન બીટૂબી અને જીટૂબી મીટિંગ્સ પણ યોજાવાની છે. ભારતીય પ્રતિનિધિ મંડળના આ રશિયન પ્રવાસમાં ડાયમન્ડ, ટીમ્બર, પેટ્રોલિયમ, ફાર્મા સેક્ટર સહિતના ઉદ્યોગોના ગુજરાતના ૨૮ જેટલા પ્રતિનિધિઓ પણ જોડાશે. મુખ્ય પ્રધાન ૧૩ ઑગસ્ટે સાંજે ગુજરાત પરત આવશે.

Vijay Rupani gujarat gandhinagar