પાક નુકસાનના વળતર માટે ખેડૂતોએ 72 કલાકમાં નોંધણી કરાવવી પડશે

01 November, 2019 08:33 AM IST  |  ગાંધીનગર

પાક નુકસાનના વળતર માટે ખેડૂતોએ 72 કલાકમાં નોંધણી કરાવવી પડશે

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન થયું છે. આ અંગે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોને રાહત કેવી રીતે મળશે એની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પાકનું નુકસાન થયેલા ખેડૂતોએ ૭૨ કલાકમાં નોંધણી કરાવવી પડશે. આ અંગે વીમા કંપનીના ટ્રોલ-ફ્રી નંબર પણ જાહેર કર્યા હતા અને કેટલા દિવસમાં કેવી રીતે નોંધણી કરવામાં આવશે એ અંગે પણ વિગતે જણાવ્યું હતું.

ગાંધીનગરમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સીએમ રૂપાણી અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં પાકને થયેલ નુકસાન અંગે સમીક્ષા કરાઈ હતી. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર હાજર રહ્યા હતા. વધુ નુકસાનવાળા વિસ્તારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કૃષિ વિભાગના એસીએસ પૂનમચંદ પરમારે પત્રકાર પરિષદમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન અંગે માહિતી આપી હતી. નુકસાન પામેલા ખેડૂતે ૭૨ કલાકમાં નોંધણી કરાવવી પડશે. વીમા કંપનીના ટોલ-ફ્રી નંબર પર નોંધણી કરાવવી પડશે. ૭૨ કલાકમાં નોંધણી નહીં કરાવે તો સહાય નહીં મળે.

રિલાયન્સ જનરલ - ૧૮૦૦ ૩૦૦ ૨૪૦૮૮, યુનિવર્સલ સોમ્પો જનરલ - ૧૮૦૦ ૨૦૦ ૫૧૪૨, ભારતી આક્સા જનરલ - ૧૮૦૦ ૧૦૩ ૭૭૧૨, ઍગ્રિકલ્ચર ઇન્શ્યૉરન્સ કંપની - ૧૮૦૦ ૧૧૬ ૫૧૫ ખેડૂતો માટે ૧૫૦ કરોડ રૂપિયાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. પિયતવાળી ખેતીમાં ૧૩,૫૦૦ રૂપિયાનું વળતર ચુકવાશે, જ્યારે બિનપિયતવાળી ખેતીમાં ૬૫૦૦ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. એસડીઆરએફના ધારાધોરણ મુજબ વીમો ન લીધેલા ખેડૂતોને રકમ ચુકવાશે. વીમો નથી ઉતાર્યો તે ખેડૂતોને પણ નુકસાનની ભરપાઈ કરાશે. ખેડૂતે ૭૨ કલાકમાં આ અંગેની ફરિયાદ અરજી કરવાની હશે. કૃષિ વિભાગના અધિકારી પાક નુકસાન અંગે સર્વે કરશે. પાકની નુકસાની અંગેની ફરિયાદ ૧૦ દિવસમાં સર્વે કરાશે. સર્વે થયાના ૧૦ દિવસમાં નુકસાનના પૈસા ચુકવાશે.

આ પણ વાંચો : રાહતનો સમય પૂરો, નવા ટ્રાફિક નિયમોનો આજથી કડક અમલ શરૂ

પાક વીમા મુદ્દે સરકાર રાહત પૅકેજ જાહેર કરે : અમિત ચાવડા

ગુજરાત કૉન્ગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકારને ખેડૂત વિરોધી ગણાવી કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાન અંગે સર્વે કરવાને બદલે રાહત પૅકેજ જાહેર કરવાની માગણી કરી હતી. સરકારે સર્વે કરવાની કરેલી જાહેરાત અંગે જણાવતાં અમિત ચાવડાએ કહ્યુ કે ‘બીજેપીની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂત પાયમાલ બન્યો છે. ખેડૂતો પર પડ્યા પર પાટુ સમાન કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.’

gujarat gandhinagar