લાપતા ચાર યુવકોની કાર મેંદરડા નજીક ઓઝત નદીમાં ખાબકી હતી, ચારેયનાં મોત

11 December, 2019 10:00 AM IST  |  Rajkot

લાપતા ચાર યુવકોની કાર મેંદરડા નજીક ઓઝત નદીમાં ખાબકી હતી, ચારેયનાં મોત

મેંદરડા અને નવા ગામ વચ્ચે નદીમાં ખાબકી હતી કાર, પોલીસની ટીમ યુવકોને શોધતી હતી - વીરપુર દર્શન કરવા નીકળ્યા બાદ ચારેય યુવકના મોબાઇલ બંધ થયા હતા 

ગોધરા તાલુકાના રામપુરા ગામના ચાર યુવાન મિત્રો જૂનાગઢ નજીકથી લાપતા બની ગયા હતા. ઇકો કારમાં બેસીને વીરપુર દર્શને આવેલા આ ચારેય મિત્રોના મોબાઇલ રવિવારે વહેલી સવારથી સ્વિચઑફ થઈ જતાં અનેક ભેદભરમ સર્જાયા હતા. આ યુવકોનું છેલ્લું લોકેશન મેંદરડા રોડ પર આવ્યું હતું જેના પગલે જૂનાગઢ-મેંદરડા અને આસપાસના જંગલ વિસ્તારમાં એની તપાસ શરૂ ચાલુ હતી. આ દરમિયાન મોડી રાત્રે મેંદરડાના ખડપીપળી અને નવાગામ વચ્ચે પુલ નીચે ગાડી હોવાનું જણાયું હતું. જૂનાગઢ ફાયરની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મોડી રાત્રે બે યુવાનોના મૃતદેહ બહાર નીકળ્યા હતા. ઓઝત નદીમાં કાર ખાબકી હતી ત્યાંથી બીજા બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે.

આ અંગે તપાસ કરી રહેલા જૂનાગઢ એલસીબીના સબ-ઇન્સ્પેક્ટર ગોહિલે જણાવ્યું હતું કે રવિવારે સવારે પાંચ વાગ્યા આસપાસ જૂનાગઢથી ૮ કિલોમીટરમાં જ ઈવનગર માર્ગ પર માત્ર ૧૦-૧૫ મિનિટમાં જ એક પછી એક એમ ચારેયના મોબાઇલ સ્વિચઑફ થઈ ગયા હોવાનું ખૂલ્યું છે. પોલીસની ૧૦ ટીમો માળિયાહાટીના, સાસણ, મેંદરડા, જૂનાગઢમાં તપાસ કરી રહી હતી. દરમિયાન મેંદરડા નજીક ઓઝત નદીમાંથી કાર મળી હતી. અહીં ચારેય યુવકોના મૃતદેહ મળ્યા હતા.

gujarat rajkot