સંવેદનશીલ સરકારમાં ૩૩૦ બાળકોનાં મોતઃ બીજેપી સ્તબ્ધ, રૂપાણી મૌન

06 January, 2020 12:12 PM IST  |  Mumbai Desk

સંવેદનશીલ સરકારમાં ૩૩૦ બાળકોનાં મોતઃ બીજેપી સ્તબ્ધ, રૂપાણી મૌન

રાજસ્થાનની કોટા હૉસ્પિટલમાં બાળકોનાં મોત અંગે કૉન્ગ્રેસ સરકારની સામે બીજેપી આક્રમક થઈને આડેહાથ લઈ રહ્યું છે ત્યારે જ ગુજરાતમાં બીજેપી સરકારમાં અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને શહેર રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સૌથી વધુ નવજાત બાળકોનાં મોત થયાનું બહાર આવતા બીજેપી હવે રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયું છે અને હદ તો ત્યાં થઈ કે સીએમ રૂપાણીને તેમના શહેરમાં જ સૌથી વધુ બાળકોનાં મોત અંગે આજે મીડિયા દ્વારા સવાલ કરાતા સંવેદનશીલ સરકારના સીએમ કોઈ જવાબ આપવાને બદલે ચાલતી પકડતા તેના ઘેરા પ્રત્યાઘાત પડી શકે તેમ છે. પહેલાં સવાલોથી મોઢું ફેરવ્યા બાદ તપાસના આદેશ આપી દીધા છે અને પ્રતિક્રિયા આપતા કહ્યું કે - સરકારે આ મુદ્દો ગંભીરતાથી લીધો છે. તમામ આંકડા અને વિગતો મેળવી રહ્યા છીએ. કોની કચાશ છે તે મુદ્દે તપાસ કરી રહ્યા છીએ. 

ડિસેમ્બરમાં જ ગુજરાતની ચાર મુખ્ય સરકારી હૉસ્પિટલમાં ૩૩૦ બાળકો એટલે કે રોજનાં ૧૦ બાળકોનો ભોગ લેવાયો હતો. સૌથી વધુ માસૂમ બાળકો પોતાની સરકારને અતિ નિર્ણાયક અને સંવેદનશીલ ગણાવીને જશ ખાટતા મુખ્ય પ્રધાન રૂપાણીના રાજકોટ શહેરની સરકારી હૉસ્પિટલમાં ૧૩૪ બાળકોનાં મોત થયાં છે. આ આંકડા છુપાવી રાખવામાં આવ્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીએમના શહેરની સરકારી હૉસ્પિટલમાં છેલ્લા ૧ વર્ષમાં ૧૨૩૫ બાળકોનાં મોત થયાં છે.
રાજસ્થાનમાં કૉન્ગ્રેસની સરકાર છે. રાજસ્થાનના કોટા શહેરની સરકારી હૉસ્પિટલમાં એક મહિનામાં ૧૦૫ બાળકોનાં મોત થયાની વિગતો બહાર આવતા હોબાળો મચ્યો હતો અને બીજેપી અને બસપાનાં માયાવતીએ કૉન્ગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને નિશાન બનાવીને રાજકીય પ્રહારો કરીને જવાબ માગ્યો હતો. જોકે બીજેપી રાજસ્થાનની કૉન્ગ્રેસ સરકારને વધુ સમય નિશાને લઈ શકે તે પહેલાં જ્યાં ૨૪ વર્ષથી બીજેપી સત્તામાં છે તે ગુજરાતની ચાર મુખ્ય શહેરોની સરકારી હૉસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં ૩૩૦ બાળકો અને જે શહેરમાં સીએમ પોતે રહે છે અને અવારનવાર રાજકોટ શહેરની અને હૉસ્પિટલની મુલાકાત લેતા હોય છે તે હૉસ્પિટલમાં કોટાની હૉસ્પિટલ કરતાં વધુ બાળકોનાં એક જ મહિનામાં મોત થયાના આંકડા બહાર આવતાં બીજેપીને બેકફૂટ પર આવી જવું પડ્યું છે. ત્યારે વાત કરીએ તો અમદાવાદમાં ડિસેમ્બર માસમાં ૮૫, રાજકોટમાં ૧૧૧, સુરતમાં ૬૬ અને જામનગરમાં ૬૮ નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં હતાં.
અમદાવાદ સિવિલમાં ઑક્ટોબરમાં ૯૪, નવેમ્બરમાં ૭૪ અને ડિસેમ્બરમાં ૮૫ બાળકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદ સિવિલમાં બાળકોનાં મોતના મામલે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ગુણવંત રાઠોડે કહ્યું કે સિવિલમાં મહિને ૪૫૦થી ૫૦૦ જેટલાં બાળકો દાખલ થાય છે. પહેલાં ૨૦ ટકા જેટલો મૃત્યુદર હતો, હવે મૃત્યુદર ૧૮ ટકા કરતાં ઓછો થયો છે. સિવિલમાં દર મહિને ૮૦થી ૯૦ શિશુઓનાં મોત થાય છે. જેમાં પ્રિમેચ્યોર ડિલિવરી, ઓછું વજન પણ મૃત્યુનું કારણ હોય છે. માતાઓના કુપોષણના કારણે બાળકોને પણ તકલીફ પડે છે.
વર્ષ દરમ્યાન સુરત સિવિલમાં ૬૯૯ શિશુનાં મોત થયાં છે. સુરત સિવિલમાં દર મહિને સરેરાશ ૫૯ બાળકોનાં મોત થાય છે. સુરત સિવિલમાં વલસાડ, ભરૂચ અને મહારાષ્ટ્રથી દરદીઓ આવે છે. છેલ્લાં ૪ વર્ષમાં સુરત સિવિલમાં ૨૯૬૫ બાળકોનાં મોત થયાં છે.

ગુજરાતમાં બાળમૃત્યુ દર ઓછો છેઃ નીતિન પટેલ
આજે અમદાવાદ સિવિલ અને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા મહિનાનાં બાળમૃત્યુ દરના આંકડા સામે આવતા હોબાળો મચી રહ્યો છે. આ અંગે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે રાજકોટ અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં નવજાતનાં મૃત્યુની સંખ્યા વધી છે આ અંગે જાણીને મેં હાલ આખા વર્ષની માહિતી મગાવી છે. પ્રાથમિક રીતે કહું તો રાજ્યમાં બાળમૃત્યુ દર પ્રતિ ૧૦૦૦ જન્મે ૩૦ જેટલો છે. જ્યારે માતા મૃત્યુદર પ્રતિ એક લાખે ૮૭ જેટલો છે. ગુજરાત સરકારે જે સઘન સુવિધાઓ અને સેવાઓ શરૂ કરી છે તે દ્વારા માતા અને બાળમૃત્યુ દરમાં સરેરાશ ઘટાડો કરવામાં સફળ રહ્યા છે.’

ટ્વેન્ટી-ટ્વેન્ટી રમવાની વાતો કરતા રૂપાણીએ બાળકોનાં મોતના મામલે મૌન સાધ્યું
રાજસ્થાનના કોટામાં બાળકોનાં મોતને લઈ બીજેપી સરકાર ગેહલોત સરકાર પર આકરાં પાણીએ છે. ગુજરાતમાં પણ બીજેપી નેતાઓએ કોટામાં બાળકોનાં મોતને લઈ કૉન્ગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, પણ જ્યારે રાજકોટમાં જ બાળકોનાં મોતની સનસનીખેજ ખબર સામે આવી તો ગુજરાત બીજેપી સરકારની ઊંઘ ઊડી ગઈ છે. ખુદ સીએમ રૂપાણી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી. જ્યારે એક કાર્યક્રમમાં પહોંચેલા સીએમ રૂપાણીને રાજકોટ અને અમદાવાદમાં બાળકોનાં મોત મામલે સવાલ કરવામાં આવ્યો ત્યારે વિડિયોમાં જુઓ, તેઓએ કેવી રીતે મોઢું ફેરવીને પીછેહઠ કરી દીધી હતી.

gujarat Vijay Rupani