કૉંગ્રેસ ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક કરશે : રાહુલ ગાંધી

27 March, 2019 09:07 AM IST  | 

કૉંગ્રેસ ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક કરશે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગઈ કાલે રાજસ્થાનના સુરતગઢમાં એક જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ‘અમારો પક્ષ સત્તા પર આવશે તો ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક કરશે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ છ મહિનાથી ગરીબીનાબૂદીના કાર્યક્રમની રૂપરેખા ઘડે છે. ઇતિહાસમાં અન્ય કોઈ દેશે કર્યો ન હોય એવા ધમાકા જેવી આ યોજના છે. દેશનો એક પણ નાગરિક ગરીબ ન રહે એવી અમારી યોજના છે.’

દેશની વસ્તીના ૨૦ ટકા (અત્યંત ગરીબ) લોકો માટે લઘુતમ આવક બાંયધરી યોજના જાહેર કર્યાના એક દિવસ પછી રાહુલ ગાંધીએ ગરીબી વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘જો મોદી અમીરોને પૈસા આપતા હોય તો કૉંગ્રેસ ગરીબોને પૈસા આપશે. મોદી ફક્ત કાળાં નાણાં ધરાવતા લોકોને મદદ કરે છે. કૉંગ્રેસના શાસનમાં જે લોકોને ગરીબીમાંથી ઉપર ઉઠાવવામાં આવ્યા હતા એ લોકો છેલ્લાં પાંચ વર્ષમાં ફરી ગરીબ થયા છે.’

રાહુલ ગાંધીએ ગઈ કાલે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જાહેર સભાને સંબોધતાં ભારતીય જનતા પાર્ટીની ‘મૈં ભી ચૌકીદાર’ ઝુંબેશના સંદર્ભમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનિલ અંબાણી અને નીરવ મોદી જેવા લોકોના ચોકીદાર છે.

આ પણ વાંચો : ઇલેક્શનના સમયગાળામાં દેશભરમાંથી કુલ 540 કરોડની સંપત્તિ જપ્ત

કૉંગ્રેસની ન્યાય યોજના વિશે નરેન્દ્ર મોદીએ વલણ જાહેર કરવું જોઈએ : રણદીપ સુરજેવાલા

પાંચ કરોડ ગરીબ પરિવારોમાં દરેકને વાર્ષિક ૭૨,૦૦૦ રૂપિયાની લઘુતમ આવક માટેની ન્યુનતમ આય યોજના (ન્યાય) બાબતે પોતાનું અને સત્તાધારી પક્ષનું વલણ સ્પષ્ટ કરવાનો અનુરોધ કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કર્યો હતો. ગરીબો માટેની યોજનાની માફક મહિલાઓ માટે પણ રકમ સીધી તેમના અકાઉન્ટમાં જાય એવી કૉંગ્રેસની યોજના વિશે પણ વલણ સ્પષ્ટ કરવા રણદીપ સુરજેવાલાએ વડા પ્રધાનને જણાવ્યું હતું.

congress rahul gandhi gujarat rajasthan