અમરેલી: લોકસભા ચૂંટણી પહેલા પરેશ ધાનાણીના ગઢમાં વધુ એક ગાબડું

18 January, 2019 06:06 PM IST  |  અમરેલી

અમરેલી: લોકસભા ચૂંટણી પહેલા પરેશ ધાનાણીના ગઢમાં વધુ એક ગાબડું

પરેશ ધાનાણી (ફાઇલ ફોટો)

અમરેલી-ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી સામે આવી છે. દરમિયાન વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલીના રાજુલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે. કોળી આગેવાન હીરા સોલંકીની મદદથી ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી છે.

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને નેતાઓની નારાજગી સામે આવી રહી છે. આ જૂથવાદને ડામવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસથી નારાજ સિનિયર નેતાઓને મનાવવા માટે પ્રભારી રાજીવ સાતવ અને અહેમદ પટેલે પ્રયાસ કર્યા છે. આ ઉપરાંત ઓબીસી નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાથે મળીને કામ કરવાની ટકોર કરી છે.

રાજકોટ, સુરત, સાણંદ અને કડી સહિતના નગરોમાં હોદ્દેદારો સામે સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકમાન્ડે લોકસભા ચૂંટણી પહેલા ડેમેજ કન્ટ્રોલ માટે કવાયત વધુ તેજ કરી છે. દરમિયાન વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના હોમ ટાઉન અમરેલીમાંથી કોંગ્રેસ માટે આંચકાજનક સમાચાર આવ્યા છે.

આ પણ વાંચો: શું ડેપ્યુટી સીએમ નીતિન પટેલને દૂર કરવાનો તખ્તો તૈયાર?

અમરેલીના રાજુલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હતી. દરમિયાન ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના સિનિયર નેતા અને કોળી આગેવાન હીરાભાઈ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી હતી. તાલુકા પંચાયતમાં બહુમતીના જોરે ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકીને ભગવો લહેરાવ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માસુબેન બારૈયા અને ઉપપ્રમુખ અરજણભાઈ વાઘની વરણી કરાઈ છે. કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયત આંચકી લેતા સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ કનિદૈ લાકિઅ છે જ્યારે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે.

gujarat indian politics