વડોદરા નજીક આવેલા ઑક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ:૬ કર્મચારીઓનાં મોત,૧૫ ઘાયલ

12 January, 2020 09:13 AM IST  |  vadodara

વડોદરા નજીક આવેલા ઑક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ:૬ કર્મચારીઓનાં મોત,૧૫ ઘાયલ

વડોદરાના પાદરામાં આવેલી એક કંપનીના ઑક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હોવાની જાણકારી સામે આવી છે જેમાં પાંચ જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે ૧૫ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મૃત્યુ થતાં મૃત્યુઆંક ૬ પર પહોંચ્યો છે જેમાંથી ૪ મૃતદેહોને પાદરાના વડુંમાં રખાયા છે, જ્યારે બે મૃતદેહોને પ્રમુખસ્વામી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. 

પાદરાના ગવાસદ ગામે આવેલી એમ્સ ઑક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે સાતથી આઠ મજૂરોને ઈજા પહોંચી હતી અને આ તમામ મજૂરોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઑક્સિજનનો બાટલો ફાટ્યો હોવાથી પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ લાગી ગઈ હતી. બ્લાસ્ટને કારણે કંપનીમાં કામ કરી રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ગવાસદ ગામમાં પણ ફફડાટનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ૭ ઍમ્બ્યુલન્સ અને ૫ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કંપનીનાં ઉપરનાં પતરાં પણ ઊડી ગયાં હતાં. બ્લાસ્ટની તીવ્રતા તમે એ વાતથી જ સમજી શકો કે એનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટ સમયે કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર ન હતા.
આ બાજુ વડુંના પીઆઇના જણાવ્યા મુજબ વિસ્ફોટ થયો એ કંપનીમાં હાઇડ્રોજન ગૅસ રીફીલિંગનું કામ થાય છે. હાઇડ્રોજન ગૅસ સિલિન્ડરમાં લીકેજના કારણે આ વિસ્ફોટ થયો. આગને જોકે હાલમાં કાબૂમાં લઈ લેવાઈ છે.

gujarat vadodara