ભૂવાઆતા જેઠાઆતાએ બીજેપીના હોદ્દેદાર તરીકે રાજીનામું આપ્યું

19 January, 2020 02:11 PM IST  |  Mumbai Desk

ભૂવાઆતા જેઠાઆતાએ બીજેપીના હોદ્દેદાર તરીકે રાજીનામું આપ્યું

મુખ્ય પ્રધાને સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે ઝડપથી નિર્ણય લેવાશે

લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થતાં પિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાતના પગલે રાજ્યભરમાં ભરતીનો વિરોધ કરી રહેલા રબારી સમાજના આગેવાનો જૂનાગઢ સિવિલ હૉસ્પિટલ વિરોધ-પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. વિરોધના પગલે જૂનાગઢ, પોરબંદરના સંસદસભ્યો અને રાજનેતાઓએ મધ્યસ્થી કરી હતી જેથી રબારી સમાજના આગેવાનોએ કમિટીની રચના થવાની હૈયાધારણા મળ્યા બાદ મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા.

સહાયક વિદ્યુત નિરીક્ષણ કટેરી બહુમાલી ભવનમાં પટાવાળા તરીકે નોકરી કરતા મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણ (૫૦)નો મૃતદેહ સવારે ૭.૩૦થી ૧૦.૩૦ વાગ્યા દરમ્યાન ઑફિસમાંથી જ પંખે લટકતો જોવા મળ્યો હતો. મ્યાંજરભાઈ આપઘાત કરતાં પહેલાં ૪ ટેબલ પર સ્યુસાઇડ નોટ લખીને મૂકી હતા. મ્યાંજરભાઈએ સ્યુસાઇડ નોટમાં લખાવ્યું હતું કે ‘મારી ઑફિસમાં સ્ટાફ અને કર્મચારીને હેરાન કરશો નહીં, માફ કરશો... રૂપાણી સરકારને સંતોષ થશે’. ઘટનાને પગલે મોટી સંખ્યામાં રબારી અને માલધારી સમાજના લોકો એકઠા થયા છે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં પોરબંદરના સંસદસભ્ય રમેશ ધડુક અને જૂનાગઢના સંસદસભ્ય રાજેશ ચુડાસમાએ સુખદ સમાધાન કરાવ્યું હતું. હવે પછી ૨૬મીએ રબારી સમાજની સરકાર સાથે મીટિંગ થશે એમ જણાવવામાં આવતાં મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.

એલઆરડી ભરતીમાં અન્યાય મુદ્દે સરકારી કર્મચારીએ આપઘાત કરતાં રબારી સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી જૂનાગઢ સિવિલ હૉસ્પિટલના પીએમ રૂમની બહાર જ રામધૂન બોલાવી હતી. વિરોધ-પ્રદર્શનમાં ટેકો આપવા માટે રાજ્યભરના રબારી સમાજના આગેવાનો જૂનાગઢ પહોંચ્યા હતા. આખરે સમાધાન થયું હતું.

રબારી સમાજને અન્યાય થયાના મુદ્દે રબારી સમાજના ભૂવા આતા જેઠાઆતા ઉલવાએ બીજેપીના પોરબંદર જિલ્લાના હોદ્દેદાર તરીકે રાજીનામું આપ્યું છે. તેઓ રાજ્યના ગોપાલક બોર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટર પણ રહી ચૂક્યા હતા.

રબારી સમાજના વ્યક્તિએ કરેલી આત્મહત્યાના મુદ્દે મુખ્ય પ્રધાને સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે ચર્ચાવિચારણા કરી યોગ્ય નિર્ણય લેશે. સરકાર સાથે આ મુદ્દે વાતચીત ચાલુ છે અને ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે એમ વધુમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રબારી સમાજના આગેવાનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મીટિંગમાં પોરબંદરના સંસદસભ્ય રમેશ ધડુક, જૂનાગઢના સંસદસભ્ય રાજેશ ચુડાસમા, જામનગરનાં સંસદસભ્ય પૂનમબેન માડમ અને રબારી સમાજના આગેવાનો સાથે મળી સરકાર સમક્ષ માગણી મૂકશે.

એલઆરડીના મુદ્દે બીજેપી અને કૉન્ગ્રેસ આમને-સામને
એલઆરડી પરીક્ષામાં અનામત મામલે રાજ્યમાં ચાલતા આંદોલન મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન કર્યું છે. નીતિન પટેલે કહ્યું છે કે હાઈ કોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી કરશે. રાજ્યમાં ચાલતા આંદોલન મામલે નીતિન પટેલે કૉન્ગ્રેસને જવાબદાર ઠેરવી હતી. જવાબમાં કૉન્ગ્રેસે પણ પત્રકાર પરિષદ કરી પલટવાર કર્યો હતો. કૉન્ગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી નીતિન પટેલને જવાબ આપતાં સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે સરકાર પોતાના જ નેતાઓનો અવાજ બંધ કરવા માગે છે.

નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ‘અપીલ હાઈ કોર્ટમાં ચાલી રહી છે. આ બાબત હાઈ કોર્ટમાં વિચારાધીન છે. કોર્ટનો જે ચુકાદો આવે એ પ્રમાણે સરકાર આગળ કાયદાકીય કાર્યવાહી કરશે. સરકાર માટે બધા જ વર્ગો અનામત વર્ગ હોય કે બિનઅનામત વર્ગ હોય, બક્ષીપંચ હોય, એસસી-એસટી હોય બધા જ ગુજરાતીઓ સરખા છે. બધાના લાભ માટે સરકારે અનામતની જોગવાઈઓ લાગુ કરી છે. અગાઉ જે આંદોલન થયું હતું એ વખતે ઈડબ્લ્યુએસની જોગવાઈઓ ભારત સરકારે ૧૦ ટકા ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગનાં યુવા-યુવતીઓ માટે ભારત સરકારે દાખલ કરી એનો ગુજરાત સરકારે શિક્ષણ અને સરકારી નોકરીમાં અમલ શરૂ કરી દીધો છે.’

gujarat junagadh national news