ખેડૂતો માટે માઠા સમાચાર, સોમ અને મંગળવારે કમોસમી વરસાદની આગાહી

26 January, 2020 03:20 PM IST  |  Mumbai Desk

ખેડૂતો માટે માઠા સમાચાર, સોમ અને મંગળવારે કમોસમી વરસાદની આગાહી

ખેડૂતો માટે માઠા સમાચાર છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું છે કે ૨૭ જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો ૨૮ જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી અને શનિવારે લઘુતમ તાપમાન શુક્રવારની સરખામણીએ ૩ ડિગ્રી ઊંચું નોંધાયું છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યાં છે અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

જોકે હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થશે. મહત્ત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો. તેના કારણે સીઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતાં સીધી અસર માર્કેટમાં જોવા મળશે.

શનિવારે પણ ઠંડી ઘટી છે, પરંતુ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે ભેજનું પ્રમાણ વધે છે, જે પાકમાં જીવાત ઉત્પન કરે છે. રાજ્યમાં આજે પણ સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું છે. નલિયાનું લઘુતમ તાપમાન ૧૦.૪ ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ૧૨.૫ ડિગ્રી, વડોદરાનું તાપમાન ૧૪ ડિગ્રી, રાજકોટ ૧૬ ડિગ્રી, ભુજ ૧૪.૩ ડિગ્રી, ગાંધીનગરનું ૧૧.૬ ડિગ્રી નોંધાયું છે.

gujarat Gujarat Rains