આરટીઓ કચેરી બહાર ‘નો પાર્કિંગ’માં જ બીઆરટીએસ બસનું સ્ટૅન્ડ બન્યું

02 November, 2019 03:15 PM IST  |  અમદાવાદ

આરટીઓ કચેરી બહાર ‘નો પાર્કિંગ’માં જ બીઆરટીએસ બસનું સ્ટૅન્ડ બન્યું

અમદાવાદ : (જી.એન.એસ.) રાજ્યમાં શુક્રવારથી નવા મોટર વેહિકલ ઍક્ટના નિયમોની અમલવારી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં એક તરફ ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે ત્યારે અમદાવાદમાં કાર્યરત બસ રોડ ટ્રાન્ઝિટ સર્વિસ દ્વારા આરટીઓની કચેરી નીચે જ નો-પાર્કિંગમાં બસ પાર્ક કરવામાં આવે છે. 

અમદાવાદમાં આરટીઓ ઑફિસની નીચે જ્યાં બીઆરટીએસનું પાર્કિંગ છે ત્યાં નો-પાર્કિંગનું બોર્ડ પોલીસ દ્વારા લગાવવામાં આવ્યું છે. જોકે આ બધાની વચ્ચે બસનું પાર્કિંગ ત્યાં જ થઈ રહ્યું છે. જ્યારે સામાન્ય નાગરિકોને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મોટી માત્રામાં દંડ થાય છે ત્યારે બીઆરટીએસ સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યું છે.
દરમિયાન આરટીઓ કચેરી ખાતે આવતી જતી બસના ચાલકો પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. કેટલાય ડ્રાઇવરો સીટ બેલ્ટ બાંધ્યા વગર બસ ચલાવતા જોવા મળ્યા હતા. જો સામાન્ય નાગરિક નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમને ઈ-મેમો પણ આવે છે, પરંતુ આવી જાહેર વ્યવસ્થાની જવાબદાર સંસ્થાઓ દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરે ત્યારે તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી.
છેલ્લા કેટલાય સમયથી બીઆરટીએસનું પાર્કિંગ નો-પાર્કિંગમાં થઈ રહ્યું છે. ઉપરાંત આરટીઓ સર્કલ પર કોઈ પણ પ્રકારનું સિગ્નલ નથી જેના દ્વારા વાહનચાલકોને જાણ થાય કે અહીં કોઈ પ્રકારનું સર્કલ છે. ટ્રાફિક-પોલીસની ચોકીની સામે જ આ પ્રકારે ટ્રાફિકના નિયમોનું ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યું હતું.

ahmedabad