આખરે અલ્પેશ ઠાકોરે કર્યા કેસરિયા, ધવલસિંહ પણ ભાજપમાં જોડાયા

18 July, 2019 04:53 PM IST  |  ગાંધીનગર

આખરે અલ્પેશ ઠાકોરે કર્યા કેસરિયા, ધવલસિંહ પણ ભાજપમાં જોડાયા

જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત

કોંગ્રેસના હાથનો સાથ છોડ્યાના 15 દિવસ બાદ આખરે અલ્પેશ ઠાકોરે ભાજપનો ખેસ પહેરી લીધો છે. છેલ્લા લાંબા સમયથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે કે નહીં, જોડાશે તો ક્યારે જોડાશે તેની ચર્ચા ચાલતી હતી. ત્યારે આજે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના કાર્યલય કમલમમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવીને બંનેનું પક્ષમાં સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ 15 દિવસ પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કેટલાક મહિનાઓ પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા હતી. અલ્પેશે રાજીનામું ફેસબુક પર પણ મુક્યુ હતું. જે મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટમાં અલ્પેશ ઠાકોરે સોગંદનામું કરી રાજીનામુ ન આપ્યું હોવાનું કહ્યું હતું. ત્યારે હવે તો ઠાકોર સમાજના આ નેતા ભાજપમાં જોડાઈ જ ગયા છે.

આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે કહ્યું,'પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહથી તમે વાકેફ છો. લોકોને અનેક સવાલો છે. પરંતુ મારે વધારે કંઈ નથી કહેવું. કોંગ્રેસ લોકહિતનું રાજકારણ નથી કરતી, જ્યારે ભાજપમાં સામાન્ય લોકોની વાત સાંભળવામાં આવે છે. કોંગ્રેસમાં સ્વાર્થની રાજનીતિ થાય છે. કોંગ્રેસની નબળાઈથી બધા વાકેફ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોઈ બાળકને સ્કૂલમાં સારું ભણાવવામાં આવતા ના હોય તો તેની સ્કૂલ બદલવામાં આવે છે. બસ આ રીતે જ હું ભાજપમાં આવ્યો છું. ભાજપ એક ગુરૂકુળ છે.'

આ પણ વાંચોઃ અમદાવાદના DEO એ શહેરની 102 સ્કુલોને ફટકારી નોટીસ, જાણો વિગતો...

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી એવી ચર્ચા હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા જ તેમને મંત્રી પદ આપવામં આવશે. જો કે, હાલ તો આવા કોઈ આસાર નથી દેખાઈ રહ્યા. અલ્પેશને ભાજપમાં નવેસરથી ઈનિંગ શરૂ કરવી પડે તેવી શક્યતા છે. અલ્પેશ ઠાકોરે પણ નિવેદનમાં કહ્યું કે પક્ષ જે કહેશે તે કામ કરવા તૈયાર છે. 5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.

Alpesh Thakor Gujarat BJP Gujarat Congress gandhinagar news