સુરત: મિત્રના લગ્નમાં હાજરી આપવા આવેલા અલ્પેશ કથીરિયાની ધરપકડ

18 February, 2019 11:56 AM IST  |  સુરત | દીર્ઘ મીડિયા ન્યુઝ એજન્સી

સુરત: મિત્રના લગ્નમાં હાજરી આપવા આવેલા અલ્પેશ કથીરિયાની ધરપકડ

અલ્પેશ કથીરિયા (ફાઇલ ફોટો)

મિત્ર મિતેશ વઘાસિયાના લગ્નમાં હાજરી આપવા ગયેલા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અમરોલી રાજદ્રોહ મામલે અગાઉ કોર્ટે કથીરિયાના જામીન નામંજૂર કર્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ વિવિધ જગ્યાઓએ અલ્પેશ કથીરિયાને શોધી રહી હતી.

ધરપકડ થયા પછી અલ્પેશને સુરતની ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ લઈ જવામાં આવ્યો છે. સૂત્રો જણાવે છે કે બપોર પછી અલ્પેશને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ તૈયારી કરી રહી છે કે રાજદ્રોહ કેસમાં ફરીથી તેને લાજપોર જેલમાં મોકલવામાં આવે.

મળતી માહિતી પ્રમાણે, અમરોલી રાજદ્રોહ કેસમાં 3 મહિના અને 20 દિવસ જેલમાં રહ્યા બાદ અલ્પેશ કથીરિયાને જામીન મળ્યા હતા. જોકે, જામીન મળ્યાના થોડા દિવસોમાં તેનો વરાછામાં ટ્રાફિક પોલીસ સાથે વિવાદ થયા પછી અલ્પેશ વિરુદ્ધ ઉપરા-છાપરી 5 ગુનાઓ નોંધાયા હતા. તેના આધારે પોલીસે સેશન્સ કોર્ટમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી.

આ પણ વાંચો: સુરતઃઅલ્પેશ સામે કડક હાથ લેશે સુરત પોલીસ

ત્યારબાદ અલ્પેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન પોલીસે તેને પકડવા માટે તેના ગામ અને સગા સંબંધીઓના ઘરે શોધ કરીને તેમની પૂછપરછ કરી હતી. દરમિયાન અલ્પેશ સુરતના વેલંજા ખાતે મિત્રના લગ્નમાં આવ્યો હોવાની જાણ થતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી.

surat gujarat