આજે રવિવારે રાજ્યની તમામ આરટીઓ ખુલ્લી રહેશે

22 September, 2019 09:05 AM IST  |  મુંબઈ ડેસ્ક

આજે રવિવારે રાજ્યની તમામ આરટીઓ ખુલ્લી રહેશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય ફેસબૂક)

અમદાવાદ : (જી.એન.એસ.) ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા બાદ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (આરટીઓ)માં અરજદારોનો ધસારો વધી રહ્યો છે જેને લઈને પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીએ પરિપત્ર બહાર પાડીને રવિવાર એટલે કે ૨૨ સપ્ટેમ્બરે રાજ્યની તમામ આરટીઓ ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી અને સાથે જ તમામ સ્ટાફ અને અધિકારીઓને પણ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ પરિપત્રને કારણે લોકોને રાહત મળી હતી, કારણ કે નોકરીધંધા પર જતા લોકોને ચાલુ દિવસે સમય મળતો ન હોવાથી તેઓ રવિવારે પોતાનું કામ કરી શકશે. આ વિશેનો પરિપત્ર ૧૯ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યો હતો. શુક્રવારે સરકાર તરફથી આ વિશે જાહેરખબર આપવામાં આવી છે.
જોકે આ જાહેરખબરમાં એક ખાસ નોંધ પણ લખવામાં આવી છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ, લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ રિન્યુ અને રીસ્ટેટ તેમ જ હયાત લાઇસન્સના વર્ગનો ઉમેરો કરવાની સેવા રવિવારના દિવસે આપવામાં આવશે નહીં.
હાલમાં લાઇસન્સ રિન્યુ કરાવવા તેમ જ લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે આરટીઓમાં લાંબી કતાર લાગે છે ત્યારે રવિવારે કચેરી ચાલુ રહેશે, પરંતુ લાઇસન્સને લગતી સેવા બંધ રહેશે તો એનો શું મતલબ એવો પણ પ્રશ્ન ઊઠ્યો છે.

gujarat