અમદાવાદમાં સીઝનનો ૩૧.૫૬ ઇંચ વરસાદ વરસ્યો

28 September, 2019 09:13 AM IST  |  અમદાવાદ

અમદાવાદમાં સીઝનનો ૩૧.૫૬ ઇંચ વરસાદ વરસ્યો

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ : (જી.એન.એસ.) ગઈ કાલે રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે દોઢથી ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે સવારે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જોકે બપોરે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અત્યાર સુધી સીઝનનો ૩૧.૫૬ ઇંચ વરસાદ વરસ્યો છે જે સીઝનના ૩૦ ઇંચ સામે દોઢ ઇંચ વધારે વરસ્યો છે. શહેરભરમાં વાદળિયા વાતવરણ વચ્ચે ઝરમર-ઝરમર વરસાદ પડી રહ્યો છે.

ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ૧૪ કિલોમીટરની ઝડપે પવન અને વીજળીના પ્રચંડ કડાકા સાથે શહેરભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. સરખેજમાં તો ૨૫ મિનિટમાં જ ૪ ઇંચ વરસાદ પડી ગયો. શહેરમાં ૧ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદી પાણીનો નિકાલ થાય એ માટે વાસાણા પાંચ દરવાજા ૩ ફીટ ખોલાયા હતા.
એકાએક ખાબકેલા વરસાદથી અખબારનગર અને શાહીબાગ અન્ડરપાસ બંધ કરવા પડ્યા હતા. ૧૦૦થી વધુ વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાયાં હતાં અને ત્રણ સ્થળે વૃક્ષ તૂટી પડ્યાં હતાં. રાણીપ સહિત કેટલાક વિસ્તારમાં નવરાત્રિ માટે બાંધવામાં આવેલા મંડપ ઊડી ગયા હતા. આનંદનગર, જોધપુર, વેજલપુર, જીવરાજ પાર્ક, હેલ્મેટ સર્કલ, નિકોલ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તાર તો પાણી ભરાતાં બેટમાં ફેરવાયા હતા. નવરાત્રિના આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે પડેલા વરસાદને પગલે આયોજકોમાં પણ ચિંતા છે. રાણીપ સહિતના કેટલાક વિસ્તારોમાં નવરાત્રિ માટે બાંધવામાં આવેલા મંડપ ભારે પવનને કારણે ઊડી ગયા હતા. ૧ કલાક પછી અન્ડરપાસ ખોલી દેવામાં આવ્યા હતા.

ahmedabad gujarat Gujarat Rains