ગુજરાતમાં સિંહોની સંખ્યા 650ને પાર

05 October, 2019 09:05 AM IST  |  અમદાવાદ | શૈલેષ નાયક

ગુજરાતમાં સિંહોની સંખ્યા 650ને પાર

સિંહ

ગુજરાતના ગૌરવ સમા એશિયાટિક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને હાલમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા ૬૫૦ને પાર પહોંચી ગઈ છે એટલે કે ૨૦૧૫માં થયેલી વસ્તીગણતરીમાં નોંધાયેલા સિંહો કરતાં અત્યારે ૧૨૭ જેટલા સિંહ વધ્યા છે. સૅન્ક્ચ્યુઅરીની બહાર અમરેલી, ભાવનગર, જૂનાગઢ, શેત્રુંજય જેવા રેવન્યુ વિસ્તારમાં જે સિંહો છે એનું મૉનિટરિંગ કરવું જરૂરી જણાતાં ગુજરાત સરકાર રેડિયો કૉલર મગાવીને સિંહોની મૂવમેન્ટ પર વૉચ રાખી રહી છે.

ગુજરાતના વનપ્રધાન ગણપતસિંહ વસાવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિંહોની સંખ્યા ૬૫૦થી વધુ થઈ છે. સૅન્ક્ચ્યુઅરી વિસ્તાર ઉપરાંત શેત્રુંજય, ભાવનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ જેવા રેવન્યુ એરિયામાં સિંહનો વસવાટ છે એવા સૅન્ક્ચ્યુઅરીની બહાર રેવન્યુ એરિયામાં નીકળી ગયેલા સિંહોનુ મૉનિટરિંગ કરવું જરૂરી છે. તેમને માટે ખાસ રેડિયો કૉલર મગાવાયાં છે. સિંહ ક્યાં ફરે છે એની જાણકારી માટે સરકાર દ્વારા હાલમાં ૭૦ જેટલા રેડિયો કૉલર જર્મનીથી મગાવવામાં આવ્યાં છે અને એ સિંહોને પહેરાવ્યાં છે. સિંહોના સંવર્ધન માટે સરકારે ૩૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સિંહો માટે આધુનિક ફૅસિલિટી સાથેની ૪ ઍમ્બ્યુલન્સ બનાવી છે.

આ પણ વાંચો : ગુજરાત વરસાદ: 55 જળાશયો 70થી 100 ટકા ભરાયાં

૨૦૧૫માં ગુજરાતમાં હાથ ધરાયેલી વસ્તીગણતરીમાં સિંહોની સંખ્યા ૫૨૩ થઈ હતી. આ અગાઉ ૨૦૧૦માં થયેલી વસ્તીગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા ૪૧૧ હતી. ૨૦૧૦ની સરખામણીએ ૨૦૧૫માં સિંહોની સંખ્યામાં ૨૭ ટકાનો વધારો થયો હતો. ૨૦૧૫માં સાસણ ગીરમાં થયેલી વસ્તીગણતરીમાં જૂનાગઢ જિલ્લામાં ૨૬૮ સિંહ, ગીર સોમનાથ જિલ્લામાં ૪૪ સિંહ, અમરેલી જિલ્લામાં ૧૭૪ સિંહ અને ભાવનગર જિલ્લામાં ૩૭ સિંહ નોંધાયા હતા. દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી થતી હોય છે ત્યારે હવે ૨૦૨૦માં ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી હાથ ધરાશે.

ahmedabad gujarat